- કોલસાનો સિરામિક, રેકઝીન અને સનમાઈકા સહિતના ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ, જો કોલસામાં બે નંબરના વ્યવહારો મળશે તો સાથે ઉદ્યોગોની લિંક પણ મળે તેવી શકયતા
- મોરબીમાં કોલસાના 5 એકમો ઉપર જીએસટીનું સર્ચ ચાલી રહ્યું છે. તેમાં સિરામિક કનેક્શન ખુલશે કે કેમ તેના ઉપર સૌની મિટ છે. કોલસાનો સિરામિક, રેકઝીન અને સન્માઈકા સહિતના ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ થાય છે. તેવામાં જો કોલસામાં બે નંબરના વ્યવહારો મળશે તો સાથે ઉદ્યોગોની લિંક પણ મળે તેવી શકયતા સેવાઈ રહી છે.
મોરબી શહેરમાં થોડા દિવસ પહેલા ફોટો સ્ટુડિયોમાં જીએસટી વિભાગના દરોડા પાડયા હતા ત્યારે આજે ફરી એક વખત જીએસટી વિભાગ દ્વારા કોલસાના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોરબી શહેર ઉદ્યોગ સાથે સંકળાયેલ શહેર છે મોરબીમાં સિરામિક, પેપર મીલ જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે ત્યારે મોરબીના ઉદ્યોગપતિઓને પડ્યા પર પાટું પડી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે હમણાં કેન્દ્રમા જે બજેટ રજૂ કરવામાં આવ્યુ તેમા મોરબીના કોઈ પણ ઉદ્યોગને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી જેના કારણે હાલ મોરબીના ઉદ્યોગોમાં મંદિનો માહોલ છવાઈ ગયો છે તેવા સમયે મોરબીમાં પાંચ કોલસાના વેપારીઓને ત્યાં સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મોરબીના પાંચ કોલસાના વેપારીઓ જેમાં શ્યામ, શિવમ, શિવાય, ક્રિસ્ટલ, મરર્ક્યુના સહિતના કોલસાના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હોવાનું સુત્રો માહિતી આપી રહ્યા છે.ત્યારે કોલસાના વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. એક તો છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગોમાં મંદીનો માહોલ છે અને તેવા સમયે રેઇડ પડતા ટેકસ ચોરી કરતા વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સિરામિક ફેકટરીમાં સ્પ્રે ડાયરમાં કોલસાનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત બોઇલર હોય તેવા રેકઝીન, સન્માઈકા સહિતના ઉદ્યોગોમાં પણ કોલસાનો વધુ ઉપયોગ થાય છે. એટલે જો કોલસાના વેપારીઓને ત્યાંથી બે નંબરના વ્યવહારો મળે તો તેની લિંક સીધી ઉદ્યોગો સાથે નીકળે તેવુ જાણવા મળી રહ્યું છે.