માર્ચ એન્ડ પહેલા આઇટી વિભાગ ઉંધા માથે
આવક વેરા વિભાગ દ્વારા તપાસ માટે ખાસ યુનિટની રચના: 31 માર્ચ પહેલા ગુજરાત સહિત દેશભરમાં શંકાસ્પદ કરચોરીની તપાસ માટે અભિયાન છેડાશે
માર્ચ મહિનાના અંત સુધીમાં કરચોરોને ઝડપી લેવા માટે આવકવેરા વિભાગ ઉંધામાથે થયું છે. કેન્દ્રીય બજેટની જોગવાઈ અનુસાર વર્ષ 2015-16, વર્ષ 2016-17 અને વર્ષ 2017-18ના કેસમાં આગામી માર્ચ 31 બાદ કોઈ પગલા લઈ શકાશે નહીં. અગાઉ 3 વર્ષના સ્થાને 6 વર્ષ સુધી કરચોરીના કેસમાં પગલા લઈ શકાતા હતા. જો કે આ સમયગાળો ઘટાડી 3 વર્ષ કરી નાખવામાં આવ્યો છે. પરિણામે આગામી 31 માર્ચની ડેડલાઈન પહેલા સર્ચ અને સર્વેનો ધમધમાટ થશે.
આવકવેરા વિભાગ દ્વારા આવા કેસની તપાસ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. રૂા.50 લાખ સુધીના શંકાસ્પદ કરચોરીના કેસ મામલે સર્ચ અને સર્વે ઓપરેશન શરૂ થશે. નાના કરચોરીના કેસ બાબતે પગલા લેવા માટે ગુજરાત સહિત દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે. આગામી 1લી એપ્રીલથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં વર્ષ 2018-19ના કેસ જ એસેસમેન્ટ માટે રી-ઓપન થઈ શકશે. અલબત આ કેસ પણ રૂા.50 લાખથી ઓછી શંકાસ્પદ કરચોરીના હોવા જોઈએ. નવા નિયમના કારણે આવકવેરા વિભાગની આવકમાં ઘટાડો થશે તેવી પણ ધારણા છે. સમયગાળો ઘટી જતાં જૂના કેસ રી-ઓપન થઈ શકશે નહીં.
રૂા.50 લાખ અથવા તો તેથી વધુની કરચોરીના કેસમાં 10 વર્ષ સુધીમાં ગમે ત્યારે કેસ રી-ઓપન કરી એસેસમેન્ટ થઈ શકે છે. અલબત આવા કિસ્સામાં નક્કર પુરાવા હોવા જોઈએ. બજેટમાં કરવામાં આવેલા નિર્ણય બાદ હજુ એમેડમેન્ટ સુધારો કરવાનો બાકી છે. જો કે, આવકવેરા વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ થઈ ચૂકી છે. બીજી તરફ નાના કેસની તપાસમાં પુરતુ ધ્યાન કેન્દ્રીત કરવાનું હોવાથી મોટા કેસની ઉપર યોગ્ય ધ્યાન આપી શકાશે નહીં તેવું પણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
દેશભરના તપાસ યુનિટોને આવકવેરા વિભાગ દ્વારા શંકાસ્પદ કરચોરીના કેસ બાબતે ડેટા મેળવવાની સુચના આપી દેવાઈ છે. આગામી તા.31 બાદ રૂા.50 લાખ સુધીના કરચોરીના કેસમાં તપાસ થઈ શકવાની નથી તેનો ફાયદો કેટલાક કરચોરો લે તેવી દહેશત પણ છે. 31 માર્ચ બાદ આવકવેરા વિભાગના હાથ આવા કેસમાં બંધાઈ જશે. અલબત આવકવેરા વિભાગ અત્યારથી તૈયાર થઈ ચૂક્યું છે. તપાસ યુનિટ દ્વારા ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ દ્વારા અપાયેલા ડેટાનું પૃથુકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પનામા અને પેરેડાઈઝ પેપર લીક કૌભાંડની તપાસ થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગ માટે આગામી 31 માર્ચ રૂા.50 લાખ સુધીના નાના કરચોરીના શંકાસ્પદ કેસો વધુ કસરત કરાવશે. તમામ ધ્યાન આવા કેસ ઉપર રહેશે. આવી સ્થિતિમાં મોટા કેસ ઉપર ધ્યાન કેન્દ્રીત રહી શકશે નહીં તેવું પણ સુત્રોનું માનવું છે. આગામી નાણાકીય વર્ષથી આવકવેરા વિભાગની આવકમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળશે.
વર્ષ 2015-16, 2016-17 અને 2017-18ના કેસમાં માર્ચ બાદ કાર્યવાહી કરવી અશક્ય
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં કરચોરીની તપાસ સંબંધે કેટલાક સુધારા મુકવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આગામી તા.31 માર્ચ સુધીમાં આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2015-16, વર્ષ 2016-17 અને વર્ષ 2017-18ના શંકાસ્પદ કરચોરીના કેસની તપાસ કરી લેવી પડશે. જો 31 માર્ચ પહેલા આ તપાસ નહીં થાય તો ત્યારબાદ આવા કેસ રિ-ઓપન થઈ શકશે નહીં. વર્તમાન સમયે આવા કેસની સંખ્યા લાખોમાં છે. એકંદરે કાયદાકીય આંટીઘુંટીમાં ફસાયેલા કેસ મામલે આ નિયમ રાહત સમાન છે. જો કે, આવકવેરા વિભાગ માટે આ નિયમ વધુ કસરત લઈ આવશે. અગાઉ ટેકસ એસેસમેન્ટ માટે 6 વર્ષ સુધી સમય મર્યાદા હતી. છ વર્ષમાં ગમે ત્યારે ટેકસ એસેસમેન્ટ માટે રિ-ઓપન થઈ શકતો હતો. જો કે, આ સમય મર્યાદા ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી છે.