- નવો હુકમ ન થાય ત્યાં સુધી ઉત્પાદન સહિતની તમામ પ્રક્રિયા અટકાવી દેતું કોર્પોરેશન
- નાના મવા રોડ પર ક્રીમઝેન આઇસ્ક્રીમમાં એક્સપાયરી ડેઇટ વિતી ગયેલા 18 કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ
રાજકોટ
શહેરના ખોખડદળી નદીના કાંઠે કોઠારિયા રીંગ રોડ પર આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત જયેશભાઇ સાવલીયાની માલિકીની ઉત્પાદન પેઢી પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાંથી તાજેતરમાં ચેકીંગ દરમિયાન 20 ટનથી વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યા બાદ આજે કોર્પોરેશન દ્વારા પેઢીને સીલ કરી દેવામાં આવી હતી. દરમિયાન નાના મવા રોડ પર ક્રીમઝેન આઇસ્ક્રીમમાં ચેકીંગ દરમિયાન મળી આવેલ એક્સપાયરી ડેઇટ વિતી ગયેલા 18 કિલો આઇસ્ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ તાજેતરમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં કોઠારિયા રીંગરોડ પર નેશનલ હાઇવે નં.8-બીમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જયેશભાઇ સાવલીયાની માલિકીના પટેલ મહિલા ગૃહઉદ્યોગમાં ટૂટીફ્રૂટી અને જેલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પપૈયાનો 20 હજાર કિલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે નાયબ મ્યુનિ.કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો હતો કે જાહેર જનતાને આરોગ્યને નુકશાન કરતા પ્રવૃત્તિ અટકાવવા માટે
ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ-376-એ મુજબ ઉત્પાદન પેઢીને સીલ કરી દેવામાં આવે. આ આદેશના પગલે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા સહિતની ટીમ દ્વારા પેઢીના માલિકની આગેવાનીમાં પટેલ મહિલા ગૃહ ઉદ્યોગને સીલ કરી દેવામાં આવ્યું છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા તથા પેઢીની કોઇપણ પ્રવૃત્તિ શરૂ ન કરવા તાકીદ કરવામાં આવી છે.
ઉનાળાની સિઝનમાં આઇસ્ક્રીમનું વેંચાણ વધુ થતું હોય અમૂક વેપારીઓ એક્સપાયરી ડેઇટ વિતી ગયેલો આઇસ્ક્રીમ પણ વેંચતા હોય છે. આ શક્યતાને ધ્યાનમાં રાખી આજે નાના મવા રોડ પર સિલ્વર હાઇટ્સ સામે પાન એમ્પાયર શોપ નં.5માં આવેલા ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રાઇવેટ લીમીટેડ (કંપની રિટેઇલ આઉટલેટ)માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રાહકોને વેંચાણ કરવા માટે સંગ્રહ કરેલા વિવિધ ફ્લેવરના 18 કિલો જેટલા આઇસ્ક્રીમની એક્સપાયરી ડેઇટ વિતી ગઇ હતી. જેનો સ્થળ પર નાશ કરી પેઢીને યોગ્ય સ્ટોેરેજ અંગે સૂચના આપવામાં આવી હતી.
આજે શહેરના આકાશવાણી ચોકથી લઇ યુનિવર્સિટીના ગેઇટ સુધીના વિસ્તારમાં ખાણીપીણીનું વેંચાણ કરતા 21 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ધરાયું હતું. જે અંતર્ગત 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે કેદારનાથ રસ સેન્ટર, મહાલક્ષ્મી હોટેલ, સિતારામ છોલે ભટૂરે, લક્ષ્મી પૂરી-શાક, શિવ મદ્રાસ કાફે, ગાયત્રી નાસ્તા હાઉસ, જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી હતી.
કેસર પીસ્તા, સ્ટ્રોબેરી, વાઇલ્ડ બેરી ચીઝ કેક અને કૂકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રીમના નમૂના લેવાયા. આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે નાના મવા રોડ પર ક્રીમ એન્ડ આઇસ્ક્રીમમાંથી લૂઝ કેસર પીસ્તા આઇસ્ક્રીમ, લૂઝ સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ, પેડક રોડ પર રણછોડનગર શેરી નં.4માં જીલ આઇસ્ક્રીમમાંથી વાઇલ્ડ બેરી ચીઝ કેક આઇસ્ક્રીમ અને મોચી બજારમાં હથિયારી બિલ્ડીંગ સ્થિત ડિલક્સ ફૂડમાંથી કૂકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રીમના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.