પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે કલેકટર અને કમિશનર સાથે વિસ્તૃત ચર્ચા બાદ સમસ્યાનું કર્યુ નિરાકરણ

રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીની ટર્મ માટે ચૂંટાયેલા નગરસેવકોની મુદત ગત રવિવારના રોજ સાંજે પૂર્ણ થઈ જવા પામી છે. હાલ વહીવટદાર શાસન અમલમાં આવી ગયું છે. માં અમૃતમ કાર્ડ કઢાવવા, આવકના દાખલા મેળવવા, આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે કે મરણ નોંધ માટે નગરસેવકના દાખલાની જરૂરીયાત રહે છે. હાલ તમામ નગરસેવકો પૂર્વ બની ગયા છે ત્યારે તેઓની સત્તાવાર ગેરહાજરીમાં લોકોને દાખલા મેળવવા માટે મુશ્કેલી ઉભી થાય તેવું લાગતું હતું. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વ્યવસ્થા ઉભી કરવાની પણ માગણી કરવામાં આવી હતી. દરમિયાન પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજની જિલ્લા કલેકટર અને મ્યુનિ.કમિશનર સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. પૂર્વ કોર્પોરેટરના દાખલા તમામ સ્થળે માન્ય રહેશે પરંતુ આ દાખલામાં જે તે વોર્ડના ઓફિસરની કાઉન્ટર સહી કરાવવાની રહેશે. આ અંગે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેટરની મુદત પૂર્ણ થવા પામી છે ત્યારે મામલતદાર કચેરીમાં અલગ અલગ કામો માટે, આધારકાર્ડમાં સુધારા-વધારા માટે અને કોઈ વ્યક્તિનું ઘરે નિધન થાય તો મરણ નોંધ માટે કોર્પોરેટરના દાખલા માન્ય રાખવામાં આવે છે. હાલ વોર્ડમાં એક પણ કોર્પોરેટર ન હોય, આવામાં લોકોને જયાં સુધી નવી બોડીની રચના થાય ત્યાં સુધી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સાથે મેં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ વચ્ચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીની ટર્મ માટે ચૂંટાયેલા તમામ પૂર્વ કોર્પોરેટરોના દાખલા મામલતદાર વિભાગના જરૂરી કામો કે મૃતકની અંતિમવિધિ માટે માન્ય રાખવામાં આવશે. આ માટે પૂર્વ કોર્પોરેટર જયારે પોતાના લેટરપેડ પર અરજદારને દાખલો કાઢી આપે ત્યારે ખરેખર આ કોર્પોરેટર ગત ટર્મમાં નગરસેવક હતા કે નહીં તેની પુષ્ટી કરાવવા માટે જે તે વોર્ડ ઓફીસરની કાઉન્ટર સહી અને સિક્કો મારવાના રહેશે. આ વ્યવસ્થા આજથી જ ગોઠવી દેવામાં આવી છે અને જ્યાં સુધી નવી બોડી ચૂંટાઈ ન આવે ત્યાં સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે.

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકોને કોર્પોરેટરોના અભાવે જરૂરી દાખલા માટેના કામ ન અટકે તે માટે વચ્ચગાળાનો રસ્તો કાઢવા કલેકટર સમક્ષ માગણી કરવામાં આવી હતી ત્યારે કલેકટરે જ એવું કહ્યું હતું કે, ગત ટર્મના પૂર્વ કોર્પોરેટરના દાખલા જો વોર્ડ ઓફિસર કાઉન્ટર સહી કરી આપવામાં આવે તો તેને માન્ય રાખવામાં આવશે. તેઓની આ સુચના બાદ તમામ વોર્ડના ઓર્ડ ઓફિસરને પૂર્વ કોર્પોરેટર દ્વારા આપવામાં આવતા દાખલામાં જરૂરી સહી-સિક્કા કરી આપવામાં સુચના આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.