ઓક્ટોબર સુધીમાં સાબરમતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સી-પ્લેન રૂટ કાર્યરત થઈ જશે: પ્રવાસનને પ્રોત્સાહિત કરવા સરકારનું અગત્યનું પાસુ બનશે
હવાઈ પરિવહનને સુદ્રઢ બનાવવાની કવાયત કેન્દ્ર અને રાજ્ય સરકાર લાંબા સમયથી કરી રહી છે. જો કે, હવાઈ પરિવહનને સુદ્રઢ બનાવવા સૌથી અગત્યનું પાસુ એરપોર્ટનો વિકાસ છે પરંતુ આ મામલે માત્ર એરપોર્ટ પર નિર્ભર રહી શકાય નહીં જેના પરિણામે સી-પ્લેનનો મહત્તમ ઉપયોગ કારગત નિવડી શકે તેવી અપેક્ષા છે. સરકાર હવે નદી નાળામાં પણ સી-પ્લેન સરળતાથી ઉતરી શકે તે માટેની અનુકુળતાઓ તપાસી રહી છે. વડાપ્રધાન મોદીની સરકારે ઉડાન યોજના અંતર્ગત સ્થાનિક કનેક્ટિવીટી માટે ૧૬ જેટલા સી-પ્લેનના રૂટ ઓળખી કાઢ્યા છે. જ્યાં સરળતાથી લોકોને હવાઈ મુસાફરીની સુવિધા મળશે.
ઓકટોમ્બર ૨૦૨૦માં સરકાર દ્વારા સાબરમતી અને સરદાર સરોવર-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર સી-પ્લેનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સી-પ્લેનને લગતા પ્રોજેકટની સમીક્ષા થોડા સમય પહેલા કરી હતી. સી-પ્લેનના માધ્યમથી મેરીટાઈમ સેકટરમાં અનેક સુધારાઓ જોવા મળશે. ઉડાન યોજના અંતર્ગત સ્થાનિક કનેક્ટિવીટીની બહોળી તક ઉભી થઈ છે. સી-પ્લેનના માધ્યમથી લોકોને ઝડપી અને સુરક્ષીત હવાઈ સફરની સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે.
આ ઉપરાંત સી-પ્લેનના કારણે એરપોર્ટ ઉપરનો મદાર ઘટી જશે. સી-પ્લેન ચલાવવા માટે નદી કે મોટુ તળાવ પણ સક્ષમ છે. અનેક વિકસીત અથવા તો વિકાસશીલ દેશોમાં વર્તમાન સમયે સી-પ્લેનનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને જ વડાપ્રધાન મોદીએ સી-પ્લેન યોજના માટે કવાયત હાથ ધરી હતી અને સરદાર સરોવર, સાબરમતી સહિતના સ્થળોએ સી-પ્લેનનો ઉપયોગ કરીને લોકજાગૃતિનો પ્રયાસ પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ થોડા વર્ષો પહેલા કરેલા જનજાગૃતિના પ્રયાસને મહદઅંશે સફળતા મળી છે. સરકારે ત્યારબાદ ઉડાન યોજનાની અમલવારી કરી હતી. ઉડાન યોજનાના કારણે લોકો વધુને વધુ હવાઈ મુસાફરી કરે તેવી રણનીતિ હતી. હવે સી-પ્લેન અને ઉડાન યોજનાની સંયુક્ત અમલવારી થવા જઈ રહી છે.
આ મામલે મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સાબરમતી અને નર્મદા નદી એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનનો રૂટ ઘડી કાઢવામાં આવ્યો છે. આ રૂટના કારણે મુસાફરોનો સમય વધશે. ઉપરાંત ગુજરાતમાં ટુરીઝમને પણ વેગ મળશે તેવી આશા મંત્રી મનસુખ માંડવીયા દ્વારા વ્યકત કરવામાં આવી હતી. સી-પ્લેનના કારણે નર્મદા ડેમનો ‘બર્ડ આઈ’નો નજારો મુસાફરોને જોવા મળશે. જેનાથી વધુને વધુ મુસાફરો સી-પ્લેનનો ઉપયોગ કરશે તેવી અપેક્ષા છે.
દેશમાં સી-પ્લેન માટે ઘડી કાઢવામાં આવેલું સ્ટ્રકચર અમેરિકા, કેનેડા, માલદીવ અને ઓસ્ટ્રેલીયા જેવા દેશના ઈન્ફાસ્ટ્રકચરનો અભ્યાસ કરી ઘડી કાઢવામાં આવ્યું હતું. સી-પ્લેનને લાંગરવા માટે ઉભુ કરવામાં આવેલો વોટરડ્રોમનો કોન્સેપ્ટ પણ આ દેશોના સ્ટ્રકચર પર આધારીત જોવા મળ્યો છે. સાગરમાલા ડેવલોપમેન્ટ કંપની લી. અને ઈનલેન્ડ વોટર-વે ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત સાહસથી ઓકટોમબર ૨૦૨૦ સુધીમાં સાબરમતીથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રૂટમાં સી-પ્લેન ઉડતા થઈ જશે તેવી અપેક્ષા છે. જેના કારણે હવાઈ પરિવહન વધુ સુદ્રઢ બનશે.