પૂજય જલારામ બાપાની ૧૨૧મી જન્મ જયંતિ ઉજવવામાં આવનાર છે. દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામના સૂત્રને ચરિતાર્થ કરનાર શ્રી જલારામ ભગતનો જન્મ ૪ નવેમ્બર ૧૭૯૯ (કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬) માં વીરપુર ગામ જે રાજકોટ જિલ્લામાં લોહાણા જ્ઞાતિના ઠકકર કુળમાં માતા રાજબાઇ અને પિતા પ્રધાન ઠકકરના ઘરે થયો હતો.
જલારામ બાપાનો મુખ્ય મંત્ર જન સેવા એ જ પ્રભુ સેવા હતો. આ મંત્રને પોતાનાં જીવનમાં ચરિતાર્થ કરનાર બાપાનું જીવનકર્મ અને સેવાકીય પ્રવૃતિ જ મુખ્ય સાધના હતી. આશ્રયની વાત તો એ છે કે, ૧૦૦ વર્ષ પહેલાનો ભયંકર દુષ્કાળ હોય, મોટી અછત આવી હોય કે ર૦૦૧નો ધરતીકંપ હોય, અહીંનું સદાવ્રત અવિરત ચાલતું રહ્યું છે. લોકડાઉન સમયે પણ જરુરીયાત મંદ પરિવારોને બાપાની પ્રસાદી પહોચાડાતી હતી.
માં વીરબાઇ અને બાપાએ ચોવીસ કલાક લોકોની સેવા કરી અને જમાડયાં, આ સમયે દરેકને આશ્ર્ચય હતું કે, આ કેવી રીતે શકય બને, પરંતુ તેમણે કહ્યું કે, આ પ્રભુની ઇચ્છા છે તેમનું કામ છે. પ્રભુએ કામ સોપ્યું છે તો તે જ હવે જોશે કે દરેક વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય, આમ, જલારામ બાપા ઇશ્ર્વરની ઇચ્છા બલવાન છે. તેવી પોકળ વાતને બદલે, એક અલગ જ દ્રષ્ટિકોણથી પ્રભુ ભકિત કરતા હતા તે પણ અહી નોંધનીય છે. જલારામનો સંકલ્પ હતો કે કોઇને બોજારૂપ થવું નહિ અને જાત મહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો, તેઓ કહેતા કે, અણહકનું ખાવ તો મારો રામજી રૂઠે !
એક સમયે સ્વયં ભગવાન એક વૃઘ્ધ સંતનું રૂપ લઇને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઇ મા તેમને દાન કરી દેવી, જલારામે વીરબાઇ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઇમાને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું, તેણીએ ત્યાં રાહ જોઇ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઇ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઇ મા પાસે એક દંડો અને ઝોળી મુકતા ગયા હતા. વીરબાઇ મા ઘરે આવ્યા અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી, આજે પણ દંડો અને ઝોળી વીરપુરમાં એ સંતની સાક્ષી પુરે છે.
એક સમયે હરજી નામનો એક દરજી તેમના પિતાના પેટના દર્દની ફરીયાદ લઇને આવે છે. જલારામ બાપાએ પ્રભુની પ્રાર્થના કરીને તેમનું દર્દનું ઇલાજ કર્યો તેઓ બાપાના ચરણે પડી ગયા અને બાપા કહીને સંબોધન કર્યુ ત્યારથી નામ જલારામ બાપા પડી ગયું.
આજે આપણે આધુનિક થયા છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી છે. આધુનિક વસ્તુઓ સ્વીકારી છે. પરંતુ આધુનિક વિચારોને અપનાવ્યા નથી. બાપા તે સમયમાં પણ આધુનિક વિચારો ધરાવતા હતા. તેમની જન્મજયંતિ નિમિતે તેમના વ્યકિતગત ને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો લાગે છે કે સાચા ભાવથી ઉજવણી કરી ગણાશે.
જલારામ બાપાને કોઇ દિકરો ન હતો, એક દિકરી હતી જમનાબાઇ, સમજવાની વાત એ છે કે તેમણે દિકરીના સંતાનોને પોતાના વારસદાર બનાવ્યા હતા.
સાધુ-સંત, ગરીબ, બીમાર લોકોની સેવા કરવા તત્પર રહેતા જલારામ બાપાએ સવંત ૧૯૩૭માં મહાવદ દસમના બુધવારે એટલે કે, તા.ર૩મી ફેબ્રુઆરી ૧૮૮૧ ના ૮૧ વર્ષની વયે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી, તેઓ વિરાટમાં વિલિન થઇ ગયા. આજે પણ દેશ-વિદેશમાં જયારે બાપાના ભકતો સાચા હ્રદયથી એમને યાદ કરે, માનતા રાખે ત્યારે જલારામ બાપા કોઇને કોઇ સ્વરુપે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે.આ દિવસે જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયા નો પ્રસાદ લેવા ભકતોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. આ જલારામ જયંતિના પાવન અવસરે પ્રેમ, દયા, અને કરુણાના સાગર શિરોમણી સંત શ્રી જલારામ બાપાના ચરણોમા વંદન અને પ્રણામ