ઓખાથી બેટ દ્વારકા વચ્ચે જતાં આવતા પ્રવાસીઓ માટે દરિયામાં ઉડતા સીગલ પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દુનિયાના કોઇપણ ખુણેથી આવતો યાત્રી પ્રવાસી કે પ્રકૃતિપ્રેમી હોય તેના માટે ઓખા જેટીથી બોટ દ્વારા બેટ જવા માટેનું મુખ્ય આકર્ષણ એટલે અરબી સમુદ્રના પાણીમાં હિલોળા લેતી બોટમાં દરિયાના કાચ જેવા ચોખ્ખા પાણીમાં બેટ સુધીની સફર કરવી અને દરિયાના પાણીને ખુબજ નજીકથી નિહાળવાની ધન્યતા અનુભવવી. ક્યારેક તો દૂર પાણીમાં સેલારા મારતી ડોલ્ફિન જોવાનો મોકો મળી જાય પરંતુ શિયાળામાં આવતા પ્રવાસી પક્ષીઓ બોટ પર ખોરાકની માગણી કરતા સતત મંડરાતા જોવા મળે. આ પક્ષીઓ પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રીઓ ઓખા જેટી થી જ આ પક્ષીઓને માટે મમરા ગાંઠીયા અને બિસ્કીટ ના પેકેટ ખરીદે છે અને બોટમાં આખો રસ્તો તેને ખવડાવે છે. આ પક્ષીઓ હાથમાંથી પોતાનો ખોરાક લઈ જાય છે. આમ તો આ પક્ષીઓનો ખોરાક નાની માછલી, જેલી ફિશ અને કરચલા છે પરંતુ હવે આવો શાકાહારી ખોરાક પણ ખાતા થયા છે. એક રીતે જોઈએ તો આવું ખાવાથી તેમના પાચનતંત્રને નુકસાન થાય છે પરંતુ માનવજાતની શ્રદ્ધા આ બાબત પક્ષીઓને ચણ નાખવાની પરંપરા સાથે જોડાઈ ગઈ છે પરિણામે પક્ષીઓ માટે ચણ માછલી માટે લોટ વેચવાનો વ્યવસાય પણ રોજગાર બની ગયો છે ! શિયાળાની ઋતુમાં લાંબો પ્રવાસ ખેડીને આવતા આ પક્ષીઓ કુદરતી ખોરાક લે તો ૪૫ વર્ષ સુધી જીવી શકે છે પરંતુ સાંપ્રત સમયમાં તેમનું આયુષ્ય ઘટી ગયું છે.
સીંગલ અત્યંત ખાઉધરું પક્ષી છે અને લોકો થી ડરતું પણ નથી. કોઈપણ વાતાવરણમાં અનુકૂળ થઈ રહે છે. તેની લગભગ ૫૫થી વધુ પ્રજાતિઓ છે આ ઘોંઘાટિયું પક્ષી પ્રવાસીઓની બોટ પર ખોરાક માટે કલાકો સુધી ચક્કર લગાવતા થાકતું નથી. કરચલા અને જેલી ફિશ તેનો પ્રિય ખોરાક છે. માળો બનાવવા માટે દરિયા કાંઠાનો કચરો, ચીંથરા વગેરેનો ઉપયોગ કરે છે. એક સમયે બે થી ત્રણ ઈંડા મુકતા આ પક્ષીઓ માતા અને પિતા બંને ઈંડા સેવવાની અને બચ્ચાને ખવડાવવાની જવાબદારી નિભાવે છે.