રાજકોટ ખાતે આપદા-મિત્રની તાલીમની ચાર બેંચ પૂર્ણ: હાલમાં પાંચમી બેચના 150 જેટલા યુવાનો તાલીમ લઈ રહ્યા છે: 19મીથી નવી બેંચનો શુભારંભ થશે
રાજકોટ ખાતે જી.એસ.ડી.એમ.એ.(ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ) અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે “આપદા મિત્ર યોજના” દ્વારા યુવાનોને અણધારી કુદરતી આફતો સમયે લોકોને બચાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે.
જ્યારે પણ કોઈ અણધારી આફત આવી પડે ત્યારે લોકો સ્વેચ્છાએ સ્વયં સેવક બની સેવા કરતા હોય છે, પણ જો આવી કોઈ કુદરતી આપત્તિ પહેલા લોકોને જાગૃત અને પ્રશિક્ષિત કરવામાં આવે તો તેઓ પોતે સુરક્ષિત રહી સારી રીતે બચાવ અને રાહત કામગીરી કરી શકશે. આ વિચાર સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા “આપદા મિત્ર યોજના” પ્રારંભ કરવામાં આવ્યો છે.
આપદા-મિત્ર યોજના કેન્દ્ર સરકારની એનડીએમએ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વર્ષ 2016થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ યોજના છે, જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે 25 રાજ્યોના 30 પુરગ્રસ્ત જિલ્લાઓમાં 200-200 જેટલા આપદા-મિત્રોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા, જેની સફળતા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 28 સપ્ટેમ્બર 2021થી સમગ્ર દેશમાં આ યોજનાના અમલીકરણનો શુભારંભ કરાવ્યો હતો
હાલ ગુજરાતમાં જીએસડીએમએ ( ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) અંતર્ગત એસડીઆરએફના જવાનો દ્વારા આપદા-મિત્રોને 12 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે, જેમાં તેઓને રહેવા-જમવા ઉપરાંત નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ અને 1200 રૂ. સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. રાજકોટ ખાતે એસઆરપીએફ ગ્રુપ-13 ઘંટેશ્વર રાજકોટ ખાતે એડીઆરએફના પ્રશિક્ષિત જવાનો દ્વારા આ આપદા-મિત્રોને તાલીમ અપાઈ રહી છે.
આ 12 દિવસીય તાલીમ દરમિયાન આપદા-મિત્રોને આપદા પૂર્વે, દરમિયાન તથા પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ આપવામાં આવે છે. વાવાઝોડું, પુર, ભૂકંપ, ત્સુનામી, શોધ અને બચાવ, આગ-સુરક્ષા, પ્રાથમિક ઉપચાર, બચાવની વિવિધ રીતો, સીપીઆર આપવું, સ્વિમિંગ કરવું વગેરે કૌશલ્ય શીખવવામાં આવે છે. તેમજ તેમને 14 વસ્તુઓ જેવી કે, ગમ બુટ, લાઈફ જેકેટ, ફર્સ્ટ એઇડ, હેલ્મેટ, ઇમરજન્સી કીટ, પાણીના ચશ્મા, ટોર્ચ, આપદા મિત્રનો ખાસ પહેરવેશ, બોટલ, બેગ વગેરે જેવી વસ્તુઓની એમએફઆર કીટ પણ આપવામાં આવે છે. હાલ સુધીમાં રાજકોટ ખાતે આપદા-મિત્રની તાલીમની 4 બેચ પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પાંચમી બેચના 150 જેટલા યુવાઓ આપદા મિત્રની તાલીમ લઈ રહયા છે. આગામી તા. 19 ફેબ્રુઆરીથી આપદા મિત્રની નવી બેચનો પ્રારંભ થશે.
આપદા મિત્રની તાલીમ લેવા માટે શારીરિક રીતે સ્વસ્થ કોઈ પણ યુવા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે માટે તેઓ પોતાના કોલેજના પ્રિન્સિપાલ અથવા તો કલેક્ટર કચેરી ખાતે ડી.પી.ઓ.નો સંપર્ક કરવાનો રહેશે. હાલ સુધીમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.-એનસીસીના સભ્યો, હોમગાર્ડ, જી.આર.ડી.ના જવાનો, વિવિધ એન.જી.ઓ વગેરેની યુવા બેચને પણ આપદામિત્ર માટે રજીસ્ટ્રેશન કરાવીને તાલીમ આપવામાં આવી છે.