- જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડયાએ જણાવ્યું હતું કે, પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બે દિવસથી સતત કાર્યરત છે. એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેકસ્યું કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ અલગ અલગ બે લોકેશન પરથી એરફોર્સ દ્વારા લોકોને એરલીફ્ટ કરવામાં આવ્યા છે. એસડીઆરએફની ટીમ દ્વારા પણ 40 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
- જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદન ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા.
આ મેસેજ મળતા બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટર બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક એસડીઆરએફની ટીમ મોકલતા આજે સવારથી એસડીઆરએફ ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ વી.ડી. સાકરીયાના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં 36 પુરુષ, 19 સ્ત્રી, 28 બાળકો મળી કુલ 83 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.આ રેસ્કયુ ઓપરેશનમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જોડિયાના અધિકારીઓ, પોલીસ સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડેપગે: પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથધર્યું
વોર્ડ નં.બેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા બચાવ કાર્યમાં જોડાયા
જામનગરમાં ભારે વરસાદને પગલે જનજીવન પર ભારે અસર થઇ છે. જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાઇ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર-2માં ધારાસભ્ય રીવાબા જાડેજા બચાવ કાર્યમાં જોડાયા હતા. ધારાસભ્ય રીવાબા જાડેજાએ કેડસમા પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યાં હતાં.
- અસરગ્રસ્ત આમરા અને બેડ ગામની સ્થિતીનું નિરિક્ષણ કરતા મંત્રી રાઘવજીભાઇ પટેલ
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકામાં નોંધાયો છે. જેમાં જામનગરના આમરા અને બેડ ગામો જળમગ્ન થયા છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ, અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તાત્કાલિક અસરથી જામનગર આવી પહોચ્યા હતા અને આમરા અને બેડ ગામની અતિવૃષ્ટિમાં સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ પાણીમાં ફસાયેલા હોય તેવા નાગરિકોનું રેસ્ક્યુ કરવું, ફૂડ પેકેટ પૂરા પાડવા, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાવી બચાવ અને રાહત કામગીરી કરવા અંગે અધિકારીઓને સૂચન કર્યું હતું.
- થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્કયુ કરાયું
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચડી ગયા હતા . આ અંગે જાણ થતાં સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ કરી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે.
- જો વરસાદ થંભી જશે તો મેળા ચાલુ રખાશે: સ્ટે. ચેરમેન નિલેશ કગથરા
જામનગરમાં દર વર્ષે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે જન્માષ્ટમીના તહેવારમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.આ વર્ષે હવે મેળો ચાલુ રાખવો કે નહી તેનો નિર્ણય ટુંક સમયમાં કરવામાં આવશે જો વરસાદ થંભી જશે અને પાણી ઓસરી જશે તો મેળો ચાલુ રાખવામા આવશે.
- સ્ટેટના 7 તથા પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટોપિંગના કારણે બંધ
જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે.કોઝ-વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો તંત્ર દ્વારા બંદ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ માર્ગો પર પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ગ-2 ના અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે રૂટ વાઇઝ નિમણૂંક કરવામાં આવી છે જે ટીમો જે.સી.બી., ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે માર્ગોને પુન:કાર્યાન્વિત કરવા પ્રયાસરત છે. જામનગર જિલ્લાના હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 7 તથા પંચાયત હસ્તકના 47 માર્ગો પાણીના ઓવરટેપિંગના કારણે બંદ કરવામાં આવ્યા છે.સાથે સાથે આ માર્ગો પરથી પ્રવાસ ન કરવા તથા સતર્ક રહેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.