રિચી બેરિંગ્ટની ૭૦ રનની ઇનિંગ નિર્ણાયક સાબિત થઈ: પાપુઆને ૧૭ રને મ્હાત આપી
ટી-૨૦ વર્લ્ડ કપના સુપર-૧૨માં ક્વોલિફાય થવા તરફ આગેકૂચ કરતાં સ્કોટલેન્ડે તેની બીજી લીગ મેચમાં પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યું હતુ. સ્કોટલેન્ડનો આ સળંગ બીજો વિજય છે. તેઓ પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે જીત્યા હતા. જ્યારે પાપુઆ ન્યુ ગિનીની ટીમ ઓમાન સામેની પ્રથમ મેચમાં હારી હતી, જેના કારણે તેમની આગેકૂચની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે. સ્કોટલેન્ડના નવ વિકેટે ૧૬૫ના સ્કોર સામે પાપુઆ ન્યુ ગિનીની ટીમ ૧૯.૩ ઓવરમાં માત્ર ૧૪૮ રનમાં સમેટાઈ હતી.
સ્કોટલેન્ડની જીતમાં રિચી બેરિંગ્ટને નિર્ણાયક દેખાવ કરતાં ૪૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૭૦ રન ફટકાર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. જ્યારે મેટ્ટ ક્રોસે ૩૬ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૫ રન કર્યા હતા.
પાપુઆ ન્યુ ગિની તરફથી કાબુઆ મોરેયે ૩૧ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. ચાડ સોપેરને ૨૪ રનમાં ત્રણ વિકેટ મળી હતી. મોરેયાએ નાંખેલી ઈનિંગની આખરી ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી હતી. ૨૦મી ઓવરના ચોથા બોલે લેસ્ક (૯) રન આઉટ થયો હતો. જે પછી જોશ ડાવેય કેચ આઉટ થયો હતો અને આખરી બોલ પર માર્ક વોટ્ટ બોલ્ડ થયો હતો.
જવાબમાં પાપુઆ ન્યુ ગિની તરફથી નોર્મન વાનુઆએ ૩૭ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૭ રન નોંધાવ્યા હતા. સેસે બાઉએ ૨૪ રન કર્યા હતા. જોશ ડાવેયે ૧૮ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.