મિયા-બીબી રાજી તો કયા કરે કાજી

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગઢડાના મેઘુડીયા ગામેથી અપહૃતને મુક્ત કરાવ્યા: ત્રણ સામે નોંધાતો ગુનો

વિછીંયા તાલુકાના સનાળા અને ગઢડા તાલુકાના મેઘુડીયાની યુવતીની સગાઇ અંગે બંનેના પરિવાર વચ્ચે ચાલતી વાત અટકતા યુવક-યુવતીના મન મળી ગયા હોવાથી બંને એક સપ્તાહ પૂર્વે ભાગીને પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરી લેતા રોષે ભરાયેલા યુવતીના પરિવાર દ્વારા યુવકના બે ભાઇઓના કારમાં અપહરણ કરી ભાગ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા વિછીંયા પોલીસે નાકાબંધી કરાવી બંને અપહૃતને ગઢડા તાલુકાના મેઘુડીયા ગામેથી મુક્ત કરાવી ત્રણ અપહરણકારની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા તાલુકાના સનાળા ગામે રહેતા વનરાજભાઇ અમરાભાઇ ચાવડાએ ગઢડા તાલુકાના મેઘુડીયા ગામે રહેતા રમેશ ભીખા મારૂ તેના ભાઇ જયંતી ભીખા મારૂ અને રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા તેના બનેવી મુકેશ નામના શખ્સોએ વનરાજ ચાવડા અને તેના ભાઇ દિનેશ ચાવડાના ઇકો કારમાં અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સનાળા ગામના સુરેશ અમરા ચાવડાની મેઘુડીયા ગામની નિતાબેન ભીખાભાઇ મારૂ સાથે સગાઇ અંગે વાચ-ચિત ચાલતી હતી તે ગમે કારણોસર અટકી ગઇ હતી. પરંતુ નિતા અને સુરેશ એક બીજાને પસંદ હોવાથી મળતા હતા. દરમિયાન એક સપ્તાહ પૂર્વે સુરેશ અને નિતા ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમ લગ્ન કરી લેતા નિતાબેનના પરિવાર રોષે ભરાયો હતો અને અવાર નવાર ધાક ધમકી દેતા હતા.

નિતાબેનના પરિવારની ધાક ધમકીથી કંટાળી વનરાજભાઇ ચાવડા પોતાના ભાઇ દિનેશ, બહેન અને ભાણેજ સાથે વિછીંયા પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા હતા તે દરમિયાન મેઘુડીયા ગામેથી રમેશ મારૂ તેના ભાઇ અને બનેવી સાથે ઇકો કાર લઇને આવી વનરાજ ચાવડા અને તેના ભાઇ દિનેશ ચાવડાનું કારમાં અપહરણ કરી ગઢડા તરફ ભાગી ગયાની વિછીંયા પોલીસને જાણ થતા પોલીસે નાકાબંધી કરાવી ઇકો કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મેઘુડીયા ગામેથી બંને અપહૃતને મુકત કરાવી ત્રણેયની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.