અમરેલી 41.6 ડિગ્રી, અમદાવાદ 41.5 ડિગ્રી, ગાંધીનગર 41 ડિગ્રી, રાજકોટ 40.9 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગર 40.9 ડિગ્રી સાથે ધગ્યા: બફારો યથાવત
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગરમીનું જોર ફરી વધ્યું છે. સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. બુધવારની સરખામણીએ ગુરૂવારે રાજકોટમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે, અસહ્ય ઉકળાટનો અહેસાસ હજી યથાવત છે. લોકોને બફારો હજી પરસેવે રેબઝેબ કરી રહ્યો છે.
ગત સપ્તાહે સુર્યનારાયણે આકાશમાંથી અગનવર્ષા કર્યા બાદ ચાલુ સપ્તાહે વાતાવરણમાં થોડો પલ્ટો નોંધાયો હતો. જેના કારણે લોકોને હીટવેવના પ્રકોપથી થોડી મુક્તિ મળી હતી. જો કે છેલ્લા પાંચેક દિવસથી અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે. ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પણ પડ્યા હતા. ગુરૂવારે રાજ્યભરમાં ગરમીનું જોર વધ્યુ હતું. જ્યારે રાજકોટમાં પારો પટકાયો હતો. રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયુ હતું. સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 41.6 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 41.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.9 ડિગ્રી, રાજકોટનું તાપમાન 40.9 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.7 ડિગ્રી, ભુજનું તાપમાન 37.6 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 39 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 36.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.8 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.6 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.4 ડિગ્રી અને કેશોદનું તાપમાન 36.5 ડિગ્રી નોંધાયુ હતું. રાજકોટમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાતા શહેરીજનોને ગરમીમાં રાહત મળી છે. પરંતુ બફારો યથાવત છે. આગામી દિવસોમાં હજી ગરમીનું જોર વધે તેવી સંભાવના જણાય રહી છે.