ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજકોએ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવનાઓ નથી. આગામી 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની અસર દેખાશે. જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 8 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં વર્તમાન સિઝનમાં પ્રથમવાર પારો 41 ડિગ્રીને પાર જતાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ’ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ પછીના બે દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે.