10 કિલો દાજીયા તેલનો નાશ: ખાણીપીણીના 9 વેપારીઓને નોટિસ: ગાયનું દૂધ અને રાયના નમૂના લેવાયાં
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના રેલનગર વિસ્તારમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાણીપીણીની 23 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. 9 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.
ચેકીંગ દરમ્યાન ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી 10 કિલો જેટલા દાજીયા તેલનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે શિવાશિંકા માર્ટ, શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ, પરિવાર માર્ટ, ગીરીરાજ એન્ટરપ્રાઇઝ, જય રામનાથ જનરલ સ્ટોર્સ, ફોર્ચ્યુન માર્ટ, જનતા પ્રોવિઝન સ્ટોર્સ અને સૃષ્ટિ પ્રોવિઝન સ્ટોર્સને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાધુ વાસવાણી કુંજ રોડ પર અંબે કોમ્પ્લેક્સની બાજુમાં લોડ્સ ક્રિષ્ના સિટી કોમ્પ્લેક્સમાં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી ગાયના દૂધનો નમૂનો જ્યારે આર.ટી.ઓ. પાસે જૂના માર્કેટીંગ યાર્ડમાં શ્રી રાધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી આખી રાયનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સાધુ વાસવાણી કુંજ રોડ પરથી દબાણ હટાવ શાખાએ 315 બોર્ડ-બેનરો જપ્ત કર્યા હતાં. જ્યારે ફાયર બ્રિગેડ શાખાએ ઉત્કર્ષ રેસિડેન્સીની એ, બી, સી, ડી, એમ ચાર વિંગ જસાણી રેસિડેન્સી ટાવરની બે વિંગને ફાયર એનઓસી રિન્યૂ કરાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા સબબ એક આસામી પાસેથી રૂ.500 અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ 11 આસામીઓ પાસેથી રૂ.4,500નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.