ભાઈ બહેન અને માતાએ ધોકા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી
ગોંડલના વોરાકોટડા રોડ પર ઘર પાસેથી નીકળવાની ના પાડતાં રિક્ષાચાલક પિતા-પુત્ર પર પાડોશી ભાઈ-બહેન, માતા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતાં રૂક્સાનાબેન ઉર્ફે મીનાબેન જુસબભાઈ કુરેશી (ઉ.વ.35) એ બી ડિવિઝન પોલીસ માં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંધ્યા, પૃથ્વીરાજ અને રિટાબેનનું નામ આપતા પોલીસે તપાસ હાથ ધરીછે.
ફરિયાદ માં જણાવ્યા મુજબ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ રુકસાનાબેન તેના પતિ જુસબભાઇ અને પુત્રવધૂ શ્વેતા સાથે ઘરની બહાર ઉભા હતાં. ત્યારે ઘર થી આગળના કવાર્ટરમા રહેતી સંધ્યા નામની છોકરી નીકળતા તેણીના પતિએ તેને કહેલ કે, અમારા ઘર પાસેથી તારે નીકળવુ નહી તેમ કહેતા સંધ્યાએ ગાળ આપી હતી. જેથી તેને ગાળો નહી આપવા કહેતા ત્યાં સામે શેરીમા સંધ્યાનો ભાઇ અને તેની માતા પણ ઘર પાસે આવી તેણીના પતિ સાથે ઝઘડો કરવા લાગેલ હતાં. જેથી જુસબભાઇ એ ફોન કરી પુત્ર અલ્તાફને બોલાવેલ ત્યારે રુકસાનાબેને તેના પતિ જુસબભાઇ ને સમજાવી ઘરમાં લઇ ગયેલ અને દરવાજો બંધ કરી દીધેલ હતો.
થોડીવારમાં આરોપીઓ દરવાજામાં પથ્થરના ઘા કરેલ અને તેણીનો દીકરો અલ્તાફ રીક્ષા લઈ આવતા દરવાજો ખોલેલ ત્યારે ધોકા અને પાઈપ સાથે ઉભેલા શખ્સોએ ગાળો આપી તેણીના પુત્ર અલ્તાફને ધોકા-પાઇપથી ફટકારવા લાગેલ હતાં. જેથી પુત્રને છોડાવવા જતાં સંધ્યાના ભાઇએ જુસબના માથામાં ધોકો ઝીંકી દેતાં તેઓ નીચે પડી ગયેલા હતાં. બાદમાં પણ જુસબભાઈને ફટકારવાનું ચાલું રાખતાં તેઓ લોહીલુહાણ થઈ જતાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બાદમાં લોહીલુહાણ હાલતમાં પિતા-પુત્રને 108 મારફતે સારવારમાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.