30 વર્ષથી વધુ સમયથી સરકારી સેવામાં કામ કર્યું હોય તેવા કેન્દ્ર સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાનો નિર્દેશ મોદી સરકારે આપ્યો છે.
28 ઓગસ્ટે મંત્રાલયો અને વિભાગો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં સરકારનો નિયમ ટાંકવામાં આવ્યો છે જેમાં સરકાર કોઈ લોકહીતને ધ્યાને રાખી કર્મચારીને સમય પહેલા નિવૃત્ત કરી શકે છે. કામ કરવામાં નબળાઇ અને ભ્રષ્ટાચારના કારણે અધિકારી કે કર્મચારીઓને નિવૃત કરી દેવામાં આવી શકે છે. પરિપત્રમાં જેમણે સરકારી નોકરીમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે તેવા તમામ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે . આ ઉપરાંત 55 વર્ષ કે તેથી વધુ વય સુધી પહોંચેલા સરકારી કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની સમીક્ષા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
પરિપત્રમાં જણાવાયું છે કે આ સમીક્ષા પાછળ સરકારનો હેતુ વહીવટી તંત્રને સજ્જડ રાખવાનો છે જેથી સરકારી કામમાં કાર્યક્ષમતા અને ઝડપ વધે. આ હેતુ પૂરા કરવા માટે જો જરૂરી હોય તો સમય પહેલા કર્મચારીને નિવૃત્તિ લેવાનો સરકારને અધિકાર છે.
આ નિયમો હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓને ત્રણ મહિનાની નોટિસ અથવા ત્રણ મહિનાનો પગાર આપવાની જોગવાઈ છે. આવા કર્મચારીઓને પેન્શનની સુવિધા મળવાનું ચાલુ રાખશે.