અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ એચડી તસ્વીર મળી

સુરજની દરેક હલચલ પર નજર રાખી શકાશે: યુરોપના વૈજ્ઞાનિકો

સૂર્યની એકદમ સ્વચ્છ અને નવી તસ્વીર પાડવામાં યુરોપના વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. વૈજ્ઞાનિક સૂર્યની આ તસ્વીરને સૌથી સ્વચ્છ એચડી તસ્વીર તરીકે ઓળખાવે છે. આ તસ્વીર પાડવામાં સફળતા મળતા સૂર્યની દરેક હલચલનો અભ્યાસ કરવામાં સંશોધન કરવામાં સફળતા મળશે તેમ વૈજ્ઞાનિકો જણાવે છે.

આ તસ્વીર યુરોપના સૌથી મોટા ટેલીસ્કોપ ગ્રેગોરે લીધી છે તેના ઉપર લેબનીઝ ઈન્સ્ટીટયુટ ફોર સોલર ફીઝીકસના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે. આ ટેલીસ્કોપની મદદથી યુરોપના વૈજ્ઞાનિકો સુરજમાં થઈ રહેલી હલચલ ઉપર નજર રાખી રહ્યાં છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ તસ્વીર સૂર્યની સૌથી વધુ નજીકથી લેવાયેલી સ્વચ્છ તસ્વીર છે. લેબનીઝ ઈન્સ્ટીટયુટ ફોર સોલર ફીઝીકસના ઈજનેરોએ ટેલીસ્કોપના લેન્સને ફરીથી બનાવ્યો છે અને આ ટેલીસ્કોપ લેન્સના આધારે જ સૌથી વધુ નજીકથી અને સ્વચ્છ તસ્વીર લેવામાં સફળતા મળી છે અને તેનું વિશ્ર્લેષણ કરવાનું શક્ય બન્યું છે.

ગ્રેગોર દૂરબીનનો આ લેન્સ એટલો શક્તિશાળી છે કે, સૂર્યની તસ્વીર જે લેવાઈ છે તે ૪૮ કિ.મી. દૂરથી જ સૂર્યને જોવા સમાન છે. આ અગાઉ નાસાના સોલર પ્રોબે પોતાના સૂર્ય અભિયાન અંતર્ગત બહુ નજીકથી ફોટો લીધો હતો. જો કે, આ વખતની તસ્વીરો જોઈ વૈજ્ઞાનિકો કહે છે કે, આ તસ્વીરમાં નાનામાં નાના કણ પણ ૮૬૫૦૦૦ માઈલના વ્યાસનો જણાવ્યું છે. આ સ્થિતિ ફૂટબોલના મેદાનમાંથી એક કિ.મી. દૂરથી સોય શોધવા જેવી કહી શકાય.

આ તસવીરના આધારે સૂર્યના ધાબા (ડાઘ) અને લબકારા મારતી જવાળાઓને સારી રીતે સમજી શકાશે. સૂર્યની જવાળાઓમાંથી પ્લાઝમાં કિરણો હોય છે જે આકાશમાં લાખો કિ.મી.દૂર ગયા બાદ ફરી સૂર્ય પર વરસે છે. આ નવી તસ્વીરોથી સૂર્ય પ્લાઝમાંની હિલચાલને સમજી શકાશે. તસ્વીરમાં જે અંધારા વિસ્તાર દેખાય છે તે ‘સન સ્પોટ’ છે અને તેમાં સતત બદલો થતો રહે છે, કારણ કે સૂર્યમાં સતત વિસ્ફોટ થતા રહે છે. આ વિસ્ફોટના કારણે જ સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફાર થતો રહે છે.

સંશોધન કરનારા વૈજ્ઞાનિકોના અગ્રણી વૈજ્ઞાનિક ડો.લુસીયા કલેઈન્ટ કહે છે કે, સૂર્યને પહેલી વખત આટલી નજીકથી જોવા મળ્યાનો સુખદ અનુભવ થયો છે. અગાઉ આ દૂરબીન આટલા નજીકથી અને સ્વચ્છ તસ્વીર આપી શકયા ન હતા. દૂરબીનમાં કરવામાં આવેલા ફેરફારને લીધે જ સૂર્યને સ્વચ્છ રીતે જોવામાં સફળ થયા છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.