- પારડી વીજ કચેરી ખાતે સત્યનારાયણની કથા અટકાવતા ધર્મપ્રેમીઓમાં ભભુકતો રોષ
- ભારે વિવાદ બાદ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા અતિરેકમાં જાથાનો પગ ‘કુંડાળા’માં આવી ગયાંનું ઉપસતું ચિત્ર
ગત શુક્વારે રાજકોટની ભાગોળે આવેલી શાપર નજીક પારડી વીજ કચેરી ખાતે ચાલી રહેલી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ બંધ કરાવી દેતા ધર્મપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારી કચેરીમાં કામની કલાકોમાં કથા ચાલી રહી હતી તેવા ઓઠા હેઠળ આ કથાને વિજ્ઞાન જાથાએ બંધ કરાવતા અનેક સવાલો ઉભા થયાં છે. જો સરકારી કચેરીમાં કામની કલાકોમાં કથા ચાલી રહી હતી તો વિજ્ઞાન જાથાની આ બાબતમાં ભૂમિકા શું? વિજ્ઞાન જાથાને એવી સત્તા ખરી કે તેઓ કથા અટકાવવા દોડી ગયાં? પોલીસ કેવી રીતે દારૂ-જુગારનો દરોડો પાડે તેમ કથા શરૂ થયાની 15 મિનિટમાં જ જાથાના ચેરમેન જયંત પંડ્યા મારતે ઘોડે છેક પારડી કેવી રીતે પહોંચી ગયાં? શું અગાઉથી તેમને કથા અંગેની જાણ હતી? અંધશ્રદ્ધા અટકાવવાનું કાર્ય કરતી વિજ્ઞાન જાથાએ આ મામલે અતિરેક કર્યો કે પછી કોઈના દોરી સંચારથી જાથાએ પોતાની હદ ઓળંગી દીધી? આ તમામ સવાલો જાથાના બેફિઝુલ એક્શન બાદ ઉભા થયાં છે.
મામલામાં પ્રાપ્ત વિગત મુજબ ગત 25 ઓક્ટોબર એટલે કે શુક્રવારે સાંજે અંદાજિત 5:30 વાગ્યાં આસપાસ પારડી-2 વીજ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસ જેમ જુગારની ક્લબ પર ત્રાટકે તેવી રીતે ભારતીય જન વિજ્ઞાન જાથાના હોદેદારો ત્રાટક્યાં હતા અને કથાને બંધ કરાવી દીધી હતી. હવે આ મામલે બ્રહ્મ સમાજથી માંડી, નેતાઓ, મંત્રીઓ સહિતના ધર્મપ્રેમીઓ મેદાને આવ્યા છે. ધર્મપ્રેમીઓમાં હાલ આ મામલે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે જેનો સામનો કરતા જન વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દેતા એક વાત ચોક્ક્સ સાબિત થઇ ગઈ છે કે, અતિરેક અથવા કોઈના દોરી સંચારથી વિજ્ઞાન જાથાનો પોતાનો પગ ’કુંડાળા’માં આવી ગયો છે.
સમગ્ર મામલે પારડી વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર સંતોષ ત્રામ્બડીયાએ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પારડી ડિવિઝનમાંથી વધુ એક સબ ડિવિઝનનું બાયફર્ગેશન એકાદ માસ પૂર્વે કરવામાં આવ્યું છે, બહોળો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ડિવિઝનના કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સારી કામગીરી કરી હતી તેમજ એલઆઈ ઓફિસર તરીકે 35 વર્ષ સુધી સેવા આપનાર સી આર જાડેજા નિવૃત થયાં હોય તેમનો વિદાય સમારંભ થયાં હોવાથી અમે ગત શુક્રવારે સાંજે એક સત્યનારાયણની કથાનું કચેરી ખાતે આયોજન કર્યું હતું.
ઓફિસનું કામ પૂર્ણ થયાં બાદ અને કેસ બારી 4:30 વાગ્યે બંધ થયાં બાદ અંદાજિત 5:30 વાગ્યાં આસપાસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજુ કથા શરૂ થયાંની ગણતરીની મિનિટોમાં જ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતના ચારેક લોકો કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઓફિસ સમયમાં તમે આ અયોગ્ય કરી રહ્યા છો સહીતની દલીલો શરૂ કરી દીધી હતી. અમે તેમને સમજાવ્યા હતા કે પ્રજાજનોને કોઈ જ વિક્ષેપ ન પડે તેવી રીતે આ આયોજન કરવામાં આવ્યું હતું, એક પાં અરજદારને હાલાકી પડી નથી તેવું જણાવતા જયંત પંડ્યાએ ઓફિસ દરમિયાન તમે આવી કોઈ કથાનું આયોજન કરી શકતા નથી તેવું જણાવ્યું હતું. સતત કરવામાં આવતી દલીલો અને દબાણને પગલે વિવાદ વકરે નહિ તેવા હેતુથી અમે કથા બંધ કરી દીધી હતી.
વિવાદ વકરતા પંડયાએ ફોન ઉપાડવાનું કર્યું બંધ
સમગ્ર મામલે હાલ ખુબ જ વિવાદ વકર્યો છે. સમાજિક, રાજકીય આગેવાનોએ આ વિવાદમાં ઝંપલાવી જાથાની ઝાટકણી કાઢતા હવે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ફોન ઉપડવાનું પણ બંધ કરી દીધું છે. અનેક ફોન કરવા છતાં જયંત પંડ્યા ફોનથી અળગા રહ્યા હતા જે પણ સૂચક બાબત છે.
ફક્ત 15 મિનિટમાં જયંત પંડ્યા રાજકોટથી પારડી મારતે ઘોડે પહોંચ્યા કેવી રીતે?
મળતી માહિતી મુજબ કથાની શરૂઆત ગણપતિ પૂજાથી કરવામાં આવી હતી. જે અંદાજિત 5:15 વાગ્યાં આસપાસ શરૂ કરવામાં આવી હતી અને 5:30 વાગ્યે તો જયંત પંડ્યા કથા બંધ કરાવવા રાજકોટથી છેક પારડી પહોંચી ગયાં હતા. ત્યારે સવાલ એવો પણ ઉઠે છે કે, જયંત પંડ્યા ફક્ત 15 મિનિટમાં મારતે ઘોડે પહોંચ્યા કેવી રીતે? શું જાથાને અગાઉથી જ કથા અંગે જાણ હતી? શું કોઈના દોરી સંચાર હેઠળ કથાને અટકાવવામાં આવી હતી?
એકપણ અરજદાર હેરાન નહીં : જરૂર પડ્યે સીસીટીવી રજૂ કરાશે
મામલામાં ડેપ્યુટી ઈજનેર સંતોષ ત્રામબડીયાએ જણાવ્યું હતું કે, જાથા દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ઓફિસ સમયમાં તમે કથા કરો છો અને અરજદારો હેરાન થાય છે. ત્યારે અમે જણાવ્યું હતું કે, એકપણ અરજદારને હાલાકી સર્જાઈ નથી અને કેસ બારી બંધ થયાં બાદ જ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં દબાણ કરી કથા બંધ કરાવવામાં આવી હતી. સમગ્ર મામલે ઓફિસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ અમે રજૂ કરીશું. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એકપણ અરજદારને હાલાકીનો સામનો કરવો પડ્યો નથી.
હજુ તો ગણપતિ પૂજા જ ચાલતી’તી અને જાથાવાળા આવી પહોચ્યા : શાસ્ત્રી પ્રદીપભાઈ
પારડી કચેરી ખાતે સત્યનારાયણની કથા કરાવવા આવેલા શાસ્ત્રી પ્રદીપભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચેરી ખાતે કથા કરવા હું જ ગયો હતો. હજુ તો ગણપતિજીની પૂજા જ ચાલી રહી હતી અને કથા શરૂ કરવાની પણ બાકી હતી તે પૂર્વે જ જાથાના હોદેદારો આવી પહોચ્યા હતા. તેમણે મને કંઈ જ કહ્યું નથી પણ અધિકારીઓ જે કથામાં બેઠા હતા તેમને ઉભા કરી દીધા હતા અને તમે આ અયોગ્ય કરી રહ્યા છે, આ સમયગાળામાં કથા કરી શકાય નહિ, તમારી નોકરી ચાલુ છે તેમ કહી કથા શરૂ થાય તે પૂર્વે જ બંધ કરાવી દીધી હતી.
નાણાકિય ઉચાપતમાં સાત વર્ષની સજા પામેલો જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે : હેમાંગ રાવલ
મામલામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે.વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો આ વિજ્ઞાન જાથા અને તેના મળતીયાઓ છોડતા નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુ:ખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય. બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. આ એ જ જયંત પંડ્યા છે જેને નાણાકીય ઉચાપતના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા પણ આપેલી છે. તેની સાથે ટેલીફોનીક વાત કરતા આ સખ્સ દ્વારા એમ કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી કે “હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે” આમ વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.