બાયોટેક ક્ષેત્રે વિકાસ અંગે આત્મીય યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ વેબિનાર સંપન્ન
૧૯૮૨થી શરૂ કરીને ૨૩૦ થી વધારે બાયોટેકનોલોજી ડ્રગ્સે વિશ્ર્વના કરોડો લોકોને સ્વસ્થ કરવામાં સહાય કરી છે
આત્મીય યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઑફ બાયોટેક્નોલોજી દ્વારા ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના સહયોગથી આ આયોજન થયું હતું.
આ ઇન્ટરનેશનલ વેબિનારમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રના વિશ્વપ્રસિધ્ધ વૈજ્ઞાનિકોનાં વક્તવ્યો યોજાયાં હતાં . જેમાં પ્રથમ દિવસે સ્વિસ ફેડરલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી (ઇ.ટી.એચ.)-ઝ્યુરિચના ડો. અરુણ જહોન, નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટ, યુ.એસ.ના ડો. રત્નદીપ મુખરજી, યુનિવર્સિટી ઑફ જ્યોર્જિયા (યુ.એસ.)ના ડો. મેલિન ઓલોફસન, યોર્ક યુનિવર્સિટી-ટોરાંટોના ડો.સોમા ત્રિપાઠીનો સમાવેશ થતો હતો. આ વૈજ્ઞાનિકોએ ફાયટોપ્લેન્ક્ટોન સાથે સંકળાયેલ કાર્બન અને ઑક્સીજન ફ્લક્સ, મશીન લર્નિંગ અને તેનો બાયોલોજીમાં ઉપયોગ, સ્કેલિટલ માયોજીનેસિસ રેગ્યુલેશન્સ વગેરે પર વિસ્તૃત અને અદ્યતન જાણકારી આપી હતી. આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આ વૈજ્ઞાનિકોએ આપ્યું હતું
આ વેબિનારના બીજે દિવસે નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી-યુ.કે. નાં ડો. શ્રેયસી ચેટરજી, રીજનરોન જીનેટિક્સ સેન્ટર-ન્યુયોર્કનાં ડો. તનીમા ડે, યુનિવર્સિટી ઑફ ટેક્સાસ -યુ.એસ.ના ડો.નિરાકાર સાહુ, કેલિફોર્નિયા સ્થિત પ્રોજેકટ સાયંટિસ્ટ ડો.અરવદીપ ચેટરજીનાં વ્યાખ્યાનો થયાં હતા. અલઝાઇમર ડીસીઝની દ્રષ્ટિએ બ્રોકનબ્રેઇન સ્ટોરી, જીનોમ વાઈડ એસોસિએશનનાં સંશોધનો અને તેનો ફાર્મેકોજીનોમિક્સમાં ઉપયોગ, ગેસ્ટ્રીક એસિડ સેક્રેશન અને દવાની શોધમાં પ્રોટીન સ્ટ્રક્ચરનાં કાર્યમાં ટ્યુબલોવેસાઈલ આયોન ચેનલની ભૂમિકા વગેરે અંગે આ વૈજ્ઞાનિકોએ પ્રતીતિકર જાણકારી આપી હતી. આ પ્રકારની જાણકારી શ્રોતાઓનાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉદઘાટકીય ઉદબોધનમાં આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, કોઈપણ દેશની પ્રગતિના પાયામાં વિજ્ઞાન,શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ રહેલાં હોય છે. આ પાયાને મજબૂતી મળે તેવાં આયોજન આત્મીય યુનિવર્સિટીની વિશેષતા રહી છે. આ પ્રકારનાં આયોજનથી સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારવાની દ્રષ્ટિ મળે છે. વિવિધ ક્ષેત્રના વિદ્વાનોના મંતવ્યો અને સંશોધનોથી માહિતગાર થવાની તક મળે છે. કોવિડ-૧૯ને કારણે ઉદભવેલી પરિસ્થિતિનો માનવ સમુદાયના હિતમાં સંશોધન માટે લાભ ઉઠાવવા વિદ્યાર્થીઓને તેમણે આહવાન કર્યું હતું.
આત્મીય યુનિવર્સિટીના પ્રોચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રને કહ્યું હતું કે, ઇ.સ. ૧૯૮૨થી શરૂ કરીને ૨૩૦થી વધારે બાયોટેક્નોલોજી ડ્રગ્સે વિશ્વનાં કરોડો લોકોને સ્વસ્થ કરવામાં સહાય કરી છે. અત્યારે અલગઅલગ પ્રકારનાં કેન્સર, અલઝાઇમર્સ ડીસીઝ, હ્રદયરોગ, ડાયાબિટીસ, મલ્ટિપલ સીરોસિસ, એઈડઝ, આર્થરાઈટિસ જેવા ૨૦૦થી વધુ રોગોના ઉપચાર માટે ૪૦૦ જેટલી બાયોટેક ડ્રગ્સ અને વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આ પ્રકારના વેબિનારથી કોવિડ-૧૯ સહિતના જીવલેણ રોગોથી મુક્તિ અપાવતી દવાઓની શોધમાં નવી દિશા પ્રાપ્ત થશે.
આત્મીય યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણને આ વેબિનારથી વિદ્યાર્થીઓમાં સંશોધન ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો અભિગમ વિકસશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ વેબિનારનાં સંયોજક ડો. શિવાની પટેલે જણાવ્યુ હતું કે, કોવિડ-૧૯ મહામારીને કારણે વાસ્તવિક આયોજનો શક્ય નથી ત્યારે આ પ્રકારના ઓનલાઈન આયોજનથી જ્ઞાનપ્રાપ્તિ વધુ સુગમ બની છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. ડો. દેબાશિષ બેનરજી અને ગુંજન મહેતાએ વેબિનારનાં સમાપનમાં આભારદર્શન કર્યું હતું.