માત્ર 14 વિદ્યાર્થી જ રહેતા સાયન્સનો અભ્યાસ બંધ કરાયાનું રટણ
એક સમયે રાજ્યની બીજા નંબરની સાયન્સ હાઇસ્કૂલ ગણાતી સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં સાયન્સના અભ્યાસક્રમનો મૃત્યુઘંટ વાગી ગયો છે. દેશના ટોચના ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણીથી લઇને હાલના શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરૂભાઇ ગોહેલે જ્યાં અભ્યાસ કર્યો છે તે શહેરની પ્રતિષ્ઠિત સરકારી હાઇસ્કૂલને તાળા મારવાની નોબત આવી ગઈ છે. સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં 1976 થી સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એક સમયે ધોરણ 11 ના 6 અને ધોરણ 12 ના 6 કલાસ ચાલતા હતા. શરૂઆતમાં એક વર્ગખંડમાં 100 જેવી સંખ્યા થતી જેને કારણે એક વર્ષમાં 1200થી વધુ છાત્રો સાયન્સમાં અભ્યાસ કરતા હતા. આમ, આટલા વર્ષોમાં હજ્જારો છાત્રોએ સાયન્સનો અભ્યાસ કર્યો છે.
એક સમયે જ્યાં હજ્જારો વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરતા હતા ત્યાં આજે સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવાની નોબત આવી છે. હાલ આ શાળામાં સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવતા શહેરના છાત્રોને મળતી એક સારી સુવિધા પણ છીનવાઇ ગઇ છે. પરિણામે છાત્રોને હવે ના છૂટકે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં મોંઘું દાટ શિક્ષણ મેળવવું પડશે. શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારે હવે આ શાળામાં બંધ થયેલા સાયન્સના અભ્યાસક્રમને ફરી શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.
સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં છેલ્લે જાન્યુઆરી 2021 થી સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરાયો છે. જ્યારે અભ્યાસ બંધ કરાયો ત્યારે માત્ર 14 છાત્રો હતા. છેલ્લા ચાર વર્ષથી સંખ્યા સતત ઘટતી જતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલના પ્રિન્સિપાલ પ્રતિભાબેનના ઘરેજા એ સંખ્યા ઓછી થવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, છાત્રોનું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તરફનું વધતું જતું આકર્ષણ, શાળામાં પૂરતી હાજરી નોંધવાનો આગ્રહ તેમજ ટ્યુશન કલાસીસ ગણી શકાય. ટ્યુશનમાં જતા છાત્રો સ્કૂલમાં હાજરી આપવાનું યોગ્ય સમજતા નથી અને અહિંયા પૂરતી હાજરીનો આગ્રહ રાખવામાં આવે છે. આવા કારણોસર છાત્રોની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો અને પરિણામે આજે એવો સમય આવ્યો છે કે, વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ બંધ કરવો પડ્યો છે.