ભીનો, પ્લાસ્ટિક અને જોખમી કચરો અલગ રાખવા માટે છાત્રોને પ્રશિક્ષિત કરાશે
“સ્વચ્છ ભારત મિશન” હેઠળ રાજકોટ શહેરે સ્વચ્છતાનાં વિવિધ માપદંડોમાં સમગ્ર દેશમાં ૯મો ક્રમ પ્રાપ્ત કર્યો છે એ હકિકત શહેરીજનોની જાગૃતિ અને સતર્કતા સૂચવે છે એ ખુબ જ ઉત્સાહવર્ધક બાબત છે. રાજકોટ સ્વચ્છતાની બાબતમાં દેશમાં ટોપ ટેનમાં સ્થાન પામી ચૂક્યું છે ત્યારે હવે રાજકોટવાસીઓ ના માત્ર આ રેન્કિંગને અનુરૂપ શહેરની ખૂબસૂરતી જાળવી રાખે પરંતુ શહેરને ભવિષ્યમાં આ રેન્કિંગમાં વધુ ને વધુ આગળ પણ લઇ જાય અને સરવાળે સફાઈ અને સ્વચ્છતા બાબતમાં રાજકોટ એક સજાગ શહેર બની રહે તેવા પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે જેના એક ભાગ રૂપે આગામી સમયમાં શહેરની તમામ શાળાઓમાં કચરાના વર્ગીકરણ માટે કુલ ચાર પ્રકારની ડસ્ટ બિન મુકી છાત્રોને સુકો, ભીનો, પ્લાસ્ટિક અને જોખમી (હેઝાર્ડસ) કચરો અલગ રાખવા માટે પ્રશિક્ષિત કરાશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ ઉમેર્યું હતું કે, સફાઈ, સ્વચ્છતા બાબતે શહેરમાં વધુ ને વધુ પ્રમાણમાં જાગૃતિ ફેલાય અને કચરાના વર્ગીકરણમાં પણ લોકો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ પ્રદાન કરે તેવા આશય સાથે વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ કામો કરવામાં આવી રહયા છે. જેમાં હવે સ્કૂલનાં છાત્રોને પણ સ્વચ્છતા અંગે જરૂરી એવી માહિતી પુરી પાડી પ્રશિક્ષિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બાળકોમાં નાની ઉમરથી જ આવી ટેવ પડે તો ભવિષ્યમાં શહેરની જાહેર સફાઈ અને સ્વચ્છતાની બાબતમાં તંત્રને ખુબ જ મહત્વનો સહયોગ પ્રાપ્ત થઇ શકે.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એ પણ યાદ કરાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની ટેવ કેળવે અને આ જાગૃતિનાં માધ્યમથી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની કવાયત વધુ અર્થસભર રીતે ફળદાયી નીવડે તે માટે સમગ્ર શહેરમાં જબરદસ્ત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં સોસાયટી, સ્કુલ સંકુલો, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ તેમજ માર્કેટ એશોશિએશનના સંચાલકો સાથે શ્રેણીબદ્ધ મીટીંગનું આયોજન પણ કર્યું હતું. જેમાં સૌ અગ્રગણ્ય નાગરિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવો લોકો અને મહાનગરપાલિકા લેતો ઉપયોગી છે તે સમજાવ્યું હતું.
રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે તમામ શહેરીજનોનો સાથ સહકાર જરૂરી છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ વધારી શકાશે. બાળકો ભવિષ્ય અને ભવિષ્યને જ ઉજળું કરવા માટે આપણે બાળકોને સ્માર્ટ બનાવવા જોઈએ. વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવેલ કે, સ્કૂલ એ એક સ્વચ્છતા મંચ છે, જેના માધ્યમથી લોકોને વધુને વધુ પ્રમાણમાં જાગૃત કરી શકાય છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે રાજકોટ આવેલા ત્યારે તેમણે પણ કહેલું કે સ્વચ્છતા રાખવી એ માત્ર કોર્પોરેશનની કામગીરી નથી પરંતુ કચરાનું વર્ગીકરણ કરવું એ રાજકોટ શહેરની જનતાનું કાર્ય છે.