શાળાઓ પાસેથી વોકેશનલ સબ્જેક્ટ શરૂ કરવા 18મી સુધી દરખાસ્ત મંગાવાઇ
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધો.9ની શાળામાં વોકેશનલ વિષયોનો અભ્યાસ કરાવાશે. 67 વોકેશનલ વિષયો તૈયાર કરાયા છે. તેમાંથી ગમે તે ટ્રેડ શરૂ કરવા માંગતી શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવાઇ છે. શાળાઓએ 18 જાન્યુઆરી સુધીમાં આ માટે દરખાસ્ત કરવાની રહેશે. હાલમાં રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની 934 શાળામાં 36 હજાર વિદ્યાર્થીઓ જુદા-જુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષયોમાં અભ્યાસ કરી રહ્યાં છે.
સમગ્ર શિક્ષા ગુજરાત અંતર્ગત 2017 થી 2020 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં જુદા-જુદા 4 ટ્રેડમાં 7 જિલ્લામાં વોકેશનલ વિષય ચાલુ કરાયા હતા. હાલની સ્થિતિએ રાજ્ય સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ 934 શાળાઓમાં વોકેશનલ ટ્રેનર્સ દ્વારા 36 હજાર વિદ્યાર્થીઓ જુદા-જુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષયોમાં અભ્યાસ કરી રહ્યાં છે.
રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને પોતાના વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયનું શિક્ષણ પુરૂં પાડી શકે તે માટે પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન ભોપાલ દ્વારા 67 વોકેશનલ વિષયો તૈયાર કરાયા છે. જેથી આ વિષયો જે શાળાઓ શરૂ કરવા માંગતી હોય તેમની પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે.
ધો.9માં 40 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેને ધ્યાને લઇને ધો.9માં ઓછામાં ઓછા 40 બાળકોનું નામાંકન છે તેવા વિદ્યાર્થીઓવાળી શાળાઓના આચાર્યોને વોકેશનલ એજ્યુકેશન ગાઇડલાઇન મોકલવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત શાળાઓ પાસે વધારાનો એક રૂમ ઉપલબ્ધ હોય તો તેઓ સ્થાનિક જરૂરિયાત મુજબ વોકેશનલ ટ્રેડની પસંદગી કરી શકશે. સમગ્ર શિક્ષાના પરીપત્ર બાદ અમદાવાદ શહેર જિલ્લાના ડીઇઓ દ્વારા પરીપત્ર કરાયો છે.