- શાળાઓમાં મારવામાં આવતા સીલ અંગે તંત્ર દ્વારા ફાયરના કાયદાના અર્થઘટનમાં જડ વલણ અને વપરાશી હક અમલીકરણમાં અવ્યવહારૂ અભિગમ જ મુખ્ય કારણ હોવાનું સંચાલક મંડળનું તારણ
રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના તમામ મૃતકો માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દુ:ખ અને શોકની લાગણી અનુભવે છે તેમજ હતભાગીઓના પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રાર્થના કરે છે. છેલ્લા દસ દિવસમાં રાજકોટના તમામ જુદા જુદા ક્ષેત્રો, જેમાં શાળાઓ, બેંકો, હોસ્પિટલ, કોચિંગ ક્લાસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરેમાં તંત્ર દ્વારા જે સીલ મારવામાં આવી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં 100 થી વધુ શાળાઓમાં જ્યારે સીલ લાગેલ છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટની પ્રજા અને ખાસ કરીને જે-તે શાળાના વાલીઓમાં શાળા દ્વારા રાખવામાં આવતી સલામતી અંગેની ગંભીરતા વિશે શંકા ઉપજતી હોય. પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટની પ્રજા અને ખાસ કરીને જે-તે શાળાના વાલીઓને ખાસ સ્પષ્ટ તા કરવા માંગે છે કે જે આડેધડ સીલ લાગે છે એના કારણોમાં શાળાઓની બેદરકારી કે શાળામાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોવા કે શાળાના સંચાલક કે આચાર્ય વિદ્યાર્થી કે શિક્ષકોની સલામતી માટે ગંભીર નહીં હોવા એ કારણ નથી. આપને જણાવીએ કે વર્ષ 2019 માં સુરતમાં જે તક્ષશિલાની દુર્ઘટના બની ત્યારબાદ રાજકોટની તમામ શાળાઓએ જરૂરી ફાયરની સલામતી માટેની તમામ વ્યવસ્થા કરેલી અને નિયમિતપણે આ ફાયરના એનઓસી, મોટાભાગની શાળાઓ દ્વારા રીન્યુ પણ કરાવવામાં આવે છે પરંતુ રાજકોટના ગેમઝોનના બનાવ બાદ તંત્ર દ્વારા ફાયરની સલામતીના કાયદાના અર્થઘટનમાં વિસંવાદિતા, અવ્યવહારુ પણ તેમજ જડતાના કારણે મોટાભાગની શાળાઓમાં સીલ લાગેલા છે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોટાભાગની શાળાઓ દ્વારા ફાયર ના એનઓસી મેળવાયેલ છે. પરંતુ આ ઘટના બાદ ના તંત્ર દ્વારા થતા ઇન્સ્પેક્શનમાં આ એનઓસી ને અવગણી અને નવા કાયદા મુજબનું અર્થઘટન કરી અને સીલ મારવામાં આવે છે. શાળાઓની ઊંચાઈમાં બે, પાંચ કે દસ સેન્ટીમીટરના ફેરફારમાં પણ સીલ મારવામાં આવે છે. ત્યારે આમ ફાયરના જે નિયમો છે, એ નિયમોના અર્થઘટનમાં અવ્યવહારુપણાને કારણે મોટાભાગની શાળાઓમાં સીલ લાગેલ છે. આ ઉપરાંત શાળાના મકાનનું વપરાશનું પ્રમાણપત્ર એટલે કે બિલ્ડીંગ યુઝ પરમિશન સર્ટિફિકેટમાં જો કોઇ કારણો જણાતા હોય તો તેને લીધે પણ મોટાભાગની શાળાઓમાં સીલ લાગેલા છે. મોટાભાગની શાળાઓએ રાજ્ય સરકારની ઇમ્પેકટ ફી ના કાયદા અંતર્ગત પોતાની શાળામાં કરેલ નાના-મોટા ફેરફાર કે જેમાં વધારાનું બાંધકામ, બિલ્ડીંગ યુઝના ઉદ્દેશ્યમાં ફેરફાર, પ્લાનમાં નાનો માટે ફેરફાર વગેરે જેવી તમામ બાબતો માટે રાજ્ય સરકારના ઇમ્પેક્ટ ફીના કાયદા અંતર્ગત ઘણા સમયથી અરજી કરેલી જ છે પરંતુ જેનો નિકાલ તંત્ર દ્વારા આજ સુધી કરવામાં આવેલ નથી. જેના કારણે બિલ્ડીંગ યુઝ પરમિશન એ મુખ્ય મુદ્દો બની ગયો છે અને ઘણી બધી શાળાઓમાં તેના કારણે સીલ લાગેલા છે. હકીકતે શાળાના બિલ્ડીંગ યુઝ અને સલામતીને બહુ કંઈ ખાસ લાગતુ-વળગતુ નથી. કારણ કે શાળાનું મકાન એ શૈક્ષણિક હેતુ માટે ફેરફાર ઇમ્પેક્ટ ફી દ્વારા કરવામાં આવેલ હોય તો એ ફેરફાર અને શાળાનો અગાઉનું જે વપરાશી પ્રમાણપત્ર કે જે રહેણાંક નું હોય એને અને સલામતી ને કઈ લાગતુ-વળગતુ નથી. ત્યારે તંત્ર દ્વારા બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટના અમલીકરણમાં અવ્યવહારુપણું અને જડતા એ પણ શાળાઓમાં સીલ લાગવાનું મુખ્ય કારણ છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ, કે શિક્ષકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માગતુ નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો, આચાર્ય, શિક્ષકો ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ આજે અમે પ્રજા જોગ સ્પષ્ટતા એટલે કરવા માંગીએ છીએ કે રાજકોટની પ્રજામાં અને ખાસ કરીને શાળાના વાલીઓમાં શાળા સંચાલક એમના આચાર્ય કે એમના શિક્ષકો પ્રત્યે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન ફેલાય. જેમ કે શાળા સલામતીની બાબતમાં એકદમ બેદરકાર છે કે કોઈપણ પ્રકારની સલામતી માટે ચિંતિત નથી આ પ્રકારનો જે મેસેજ સામાન્ય પ્રજામાં અને વાલીઓમાં જઈ રહ્યો છે તે ન જાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવે છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની તમામ શાળાઓ સલામત રીતે શરૂ થાય એના માટે તંત્રની સાથે રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે પરંતુ તંત્ર દ્વારા પણ સલામતીના વિષયમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કર્યા વગર વ્યવહારુપણુ દાખવવામાં આવે એ પણ અત્યંત જરૂરી જણાય છે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે અને સત્વરે આ પ્રશ્નના ઉકેલ માટે કાર્યરત છે.
શાળાઓમાં સલામતી માટે તકેદારી રાખવાની અમારી કટીબધ્ધતા: ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ દ્વારા સલામતી માટે તમામ તકેદારી રાખવાની કટીબદ્ધતા છે અને રાજકોટની જનતા કે વાલીઓ આ અંગે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન કરે અને પોતાની શાળામાં, તેના સંચાલક મંડળમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ જે કાયદાના અર્થઘટનમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવતા તમામ ફેરફારો કરવામાં આવેલ છે એને પણ સ્વીકારી અને ફાયરની સલામતી માટે નાના-મોટા જે કાંઈ ફેરફાર હોય એને વ્યવસ્થા સંપૂર્ણપણે કરી રહી છે અને લગભગ 120 માંથી 100 જેટલી શાળાઓને ક્ષતિપૂર્તિ માટે કે પુર્તતા માટે પોતાની શાળાના સીલ ફરીથી ખોલવા માટે મંજૂરી પણ મળી ગઈ છે અને આ પુર્તતા બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઈ શકે એમ છે. ત્યારે તંત્ર દ્વારા શાળાઓનું ઝડપથી ઇન્સ્પેક્શન કરી અને એમને એનઓસી મળી જાય અને શાળાઓ સલામત રીતે ફરીથી શરૂ થઈ જાય એમના માટે તમામ સંચાલકો કટીબદ્ધ છે, સંવેદનશીલ છે અને રાજકોટની પ્રજા અને પોતાના વાલીઓને એ ખાસ મેસેજ આપવા માંગે છે કે શાળાની સલામતીના વિષયમાં શાળાના સંચાલક કે એમના વહીવટી તંત્ર પર કોઈપણ પ્રકારની ગેરસમજણ કે શંકા ન કરે.