પ્રથમ રાઉન્ડમાં ૯૬૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો જયારે ૩૫૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશ હજુ બાકી!!
રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત દરેક બાળકને ૧૪ વર્ષની ઉંમર સુધી ફરજીયાત અને મફત શિક્ષણનો હકક પ્રાપ્ત છે. ગુજરાતમાં સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આ એકટ અંતર્ગત મફત પ્રવેશ અપાય છે પરંતુ હાલ આ પ્રક્રિયા મંદગતિએ ચાલી રહી છે.
એક તરફ શાળાઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ આરટીઈ હેઠળના પ્રવેશ અઘ્ધરતાલ થયા હોય તેમ હજુ ઘણા વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી છે. શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ થઈ ગયા પણ આરટીઈ હેઠળ સીટોની ફાળવણીને લઈ રાજય સરકાર દ્વારા હજુ એક જ રાઉન્ડ કરાયો છે અને બીજો રાઉન્ડ ૧૧ જુન સુધીમાં કરી દેવાનું કહ્યું હતું પરંતુ હજુ સુધી બીજો રાઉન્ડ શરૂ થયો નથી.
સરકારે કહ્યું હતું કે, શાળાઓ શરૂ થયા પહેલા આરટીઈ હેઠળની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે પણ આ કામગીરીમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વિશે પ્રાથમિક શિક્ષણ વિભાગના ડાયરેકટર એમ.આઈ.જોશીએ કહ્યું કે, આરટીઈ અંતર્ગત શાળાઓમાં બેઠકોની ફાળવણીને લઈ હાઈકોર્ટમાં અરજી કરાઈ છે અને અમે તેના જવાબની રાહમા છીએ. આજ કારણસર આગળની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
એક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આરટીઈ હેઠળ પ્રવેશના પ્રથમ લીસ્ટમાં ૮૫,૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે છુટ અપાઈ છે. પ્રથમ રાઉન્ડમાં ૧૭,૮૭૪ અરજીઓ આવી જેમાંથી ૧૧,૮૫૨ વિદ્યાર્થીઓને અલગ-અલગ શાળાઓમાં બેઠક મળી તેમાંથી ૯૬૭૫ વિદ્યાર્થીઓના પ્રવેશ નકકી થઈ ગયા છે અને પ્રવેશ મળી ગયો છે. જયારે બાકીના ૩૫૦૦ વિદ્યાર્થીઓને હજુ પ્રવેશ મળ્યો નથી જેનું કારણ શાળાઓની મનમાની પણ માની શકાય.