નવી સૂચના ન મળે ત્યાં સુધી રાજ્યમાં 1થી 9 ધોરણ સુધીની સ્કૂલો બંધ: CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોના વાયરસના વધતા જતા કહેરએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. દિનપ્રતિદિન કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જેના કારણે દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. જેમાંથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત નથી. માંડ વિધામંદિરના કપાટ ખુલ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષપણે શિક્ષણ લેતા થયા હતા. એવામાં કોરોનાએ ફરી માથું ઉંચકતા શાળાઓને ફરી અનિશ્ચિતકાળ સુધી તાળાં લાગી ગયા છે. હાલ મહાનગરોમાં શાળા-કોલેજો બંધ હતી પરંતુ હવે રાજ્યભરની તમામ શાળા બંધ કરી દેવાનો આજરોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે, મહાનગરો સિવાયની પણ ધોરણ 1થી 9 સુધીની તમામ શાળાઓ બંધ રહેશે.
અન્ય આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું કાર્ય શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના જીવન પર મંડરાઈ રહેલા જોખમને ધ્યાને લઈ રાજ્યભરમાં ફરી શાળાઓને બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
સોમવારથી તમામ શાળાઓને તાળાં લાગી જશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બાળકોમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. બાળકોને કોરોના વધતા ડૉકટરો અને વાલીઓમાં પણ ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે.