જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દદ્વારા દરેક સ્કુલોને પરિપત્ર મોકલીને તકેદારી રાખવા માટે આદેશ કરાયો
રાજયમાં હાલ ચાઇનીઝ તુકકલોને લઇને ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કુલોને એવી તાકીદ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ચાઇનીઝ દોરીના કારણે થતા નુકશાન અને મુશ્કેલી અંગે વિઘાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે અને વાલીઓને પણ આ મુદે જાગૃતથ કરવામાં આવે તે જરુરી છે.
રાજયમાં આગામી દિવસોમાં ઉતરાયણના તહેવારને લઇને છેલ્લા કેટલાંય દિવસથી ચાઇનીઝ દોરી સામે ઝુંબેશ શરુ થઇ છે. પોલીસ તપાસ અને વારંવાર ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તાકીદ કરવાછતાં અમદાવાદ સહિત રાજયના જુદા જુદા શહેરોમાંથી જથ્થાબંધ ચાઇનીઝ દોરી પકડાઇ રહી છે. તાજેતરમાં હાઇકોર્ટે પણ આ મુદ્દે સરકારને કડક પગલા લેવા આદેશ કર્યા છે.
જેના અનુસંધાને શિક્ષણ વિભાગે હવે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓને આ મુદે સુચના આપી છે. જેના કારણે ડીઇઓએ દરેક સ્કુલોને પરિપત્ર મોકલીને એવી તાકીદ કરી છે કે, સ્કુલોના વિઘાર્થીઓ અને વાલીઓને ચાઇનીઝ દોરીના વપરાશથી થતા નુકશાન અંગે જાણકારી આપવામાં આવે અને આ પ્રકારની તુકકલનો ઉપયોગ કરવો તે કાયદાકીય રીતે પણ ગુનો બને છે તેવી સમજણ આપવામાં આવે.
તે જરુરી છે. ચાઇનીઝ દોરી અને તુકકલનો ઉપયોગ માનવ જાત, પશુઓ, પક્ષીઓ માટે ઘાતક, જોખમી અને જીવલેણ છે. ચાઇનીઝ માંઝા અને તુકકલના ઉપયોગ સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રતિબંધ મુકાયો છે. ચાઇનીઝ દોરી નોન બાયો ડીગ્રેડેબલ હોવાથી સરળતાથી તુટતી નથી.
આ ઉપરાંત વન વિભાગ દ્વારા ઉતરાયણના પર્વ દરમિયાન 10મીથી ર0મી જાન્યુઆરી સુધી પતંગ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા અભિયાન અંગે વિઘાર્થીઓને જાણકારી આપવા તાકીદ કરાઇ છે.