સરકારને ટયુશન ફી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવા હાઇકોર્ટનો આદેશ
ખાનગી સ્કુલો દ્વારા ફી ઉઘરાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ખાનગી સ્કુલોને ટયુશન ફી લેવાની મંજુરી આપી છે જયારે સ્કુલ શરૂ ન થાય ત્યાં સુધી ટયુશન ફી સિવાયની ફી નહીં વસુલવા ખાનગી સ્કુલનાં સંચાલકોને તથા શિક્ષકોનાં હિતને ધ્યાનમાં લઈ વાલીઓને ફીનાં સરળ હપ્તાની વ્યવસ્થા કરી આપવા આદેશ કર્યો છે. ટુંકમાં હવેથી ખાનગી સ્કુલોને ટયુશન ફી લેવા હકકદાર ગણાવી છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની સરકારને ટયુશન ફી મામલે પરીપત્રમાં સુધારો કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ફી મામલે શાળા સંચાલક, સરકાર અને વાલીઓ આમને-સામને છે ત્યારે હાલમાં શાળા-કોલેજો બંધ હોય સ્કુલ સંચાલકો ટયુશન ફી લેવા માટે પુરા હકકદાર છે અને આ માટે સરકાર પણ ટુંક સમયમાં ટયુશન ફી મુદ્દે પરીપત્રમાં ફેરફાર કરે અને સ્કુલ સંચાલકો વાલીઓને સરળ હપ્તે ફી ચુકવવાની વ્યવસ્થા કરી આપવાની ટકોર પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ ફી આધારીત આર્થિક વ્યવસ્થા ધરાવતી હોય તેથી ટયુશન ફી શાળાઓ નિશ્ર્ચિત રીતે લઈ શકે. શાળાઓની અન્ય ફી જેમ કે ટ્રાન્સપોર્ટેશન, એકટીવીટી, બોર્ડીંગ કે વધારાની કોઈપણ ફી માટે સરકારે સંચાલકો સાથે મીટીંગ કરીને તે બાબતે વાલીઓને સહાયરૂપ યોજના બનાવવામાં આવે. સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જેવા કે યુનિવર્સિટીમાં ચાલતા મેડિકલ, પેરામેડિકલ, એન્જીનીયરીંગ કે બાયોલોજીકલ અન્ય અભ્યાસક્રમોમાં વાલીઓને સહાયરૂપની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ દરેક શાળાઓએ આ પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ આપવું જોઈએ. જે શાળાઓ પાસે વ્યવસ્થા નથી તેમને ઓનલાઈન શિક્ષણથી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ ઉપરાંત શાળામાં ઓનલાઈન શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકોનો વેતનનો નિભાવ થાય તે માટે શાળાઓએ ટયુશન ફી લેવી જરૂરી છે. કોવિડ-૧૯ની મહામારીમાં વાલીઓને ટયુશન ફી ત્રિ-માસિક કે માસિક ભરવા માટેની વ્યવસ્થાઓ શાળાઓએ કરવી અને વાલીઓએ શાળાની ટયુશન ફી નિયમિત રીતે ભરવી.