- મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને સાતારામાં રેડ એલર્ટ: લોકોને ઘરમાં જ સુરક્ષિત રીતે રહેવા બીએમસીની અપીલ
- મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે મંગળવારે પણ મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે અને સાતારામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 12 જુલાઈ સુધી મુંબઈમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ મુંબઈમાં આજે પણ શાળા કોલેજો બંધ રહી છે.
આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. બીએમસીએ લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. રવિવારે (7 જુલાઈ) સવારે 1 વાગ્યાથી સોમવારે (8 જુલાઈ) સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની આગાહીને કારણે, મુંબઈ યુનિવર્સિટીમાં આજે (9 જુલાઈ) માટે નિર્ધારિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ શાળા-કોલેજો પણ બંધ છે. પુણે, રાયગઢ અને નવી મુંબઈમાં પણ શાળાઓને બંધ જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર ઉપરાંત 5 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, ગોવા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત સહિતના 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે.
અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ જુનિયર અને સિનિયર કોલેજોને આજે પણ બંધ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટીએમસી અને પનવેલ અને નવ મુંબઈ જેવી નાગરિક સંસ્થાઓએ બંધને લઈને સૂચનાઓ જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે થાણે જિલ્લા પરિષદે પણ મંગળવારે રજા જાહેર કરી છે. આ ઉપરાંત, ભારે વરસાદ માટે જારી કરાયેલ ’રેડ એલર્ટ’ને કારણે મંગળવારે રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રહી છે.
બીએમસીએ તેની તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. અને કોઈપણ મદદ માટે તેઓ બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનો 1916 પર સંપર્ક કરી શકે છે. તેવુ જાહેર કર્યું છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સોમવારે રાત્રે મધ્ય રેલવેની હાર્બર લાઇન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
સીઆરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાલા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે વડાલા અને સીએસએમટી વચ્ચેની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે માનખુર્દ અને પનવેલ વચ્ચે રૂટ પર ટ્રેનો ચલાવવામાં આવી હતી.
મુંબઈમાં 40 વૃક્ષો અને 10 દિવાલો પડી, શોર્ટ સર્કિટના કારણે એકનું મોત
માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં 40 જગ્યાએ વૃક્ષો અને 10 જગ્યાએ દિવાલો પડી જવાની ઘટનાઓ બની છે, તેમાં ક્યાંય પણ જાનહાનિના અહેવાલ નથી. જો કે શહેરમાં 12 શોર્ટ-સર્કિટની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં સાન્તાક્રુઝ ઈસ્ટમાં 72 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.