ઠંડીની સીઝનમાં હવેથી વિદ્યાર્થીઓએ જેતે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની જરૂર નહીં પડે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. જે પણ શાળાઓ મનમાની કરશે અને વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ જાહેર કરાયા છે.

વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ કાર્યવાહીના આદેશ જાહેર કરાયા

સ્વાભાવિક રીતે શિક્ષણ રાજ્યમંત્રીનો આ આદેશ વાલીઓ માટે રાહતજનક છે. આ જ મુદ્દે આજે જ પરિપત્ર જાહેર થશે. એટલુ જ નહીં અતિશય ઠંડીના દિવસોમાં શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય જે તે જિલ્લાના શિક્ષણાધિકારીઓ લઈ શકશે.શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદોને પગલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં.

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એમ પણ જણાવ્યું છેકે, સરકારના આદેશ છતાં પણ જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને આવી આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. મહત્ત્વનું છેકે, રાજ્યની સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ પહેરવામાં આવે છે. આડ્રેસ સાથે સ્કૂલો શિયાળાની ઋતુમાં ચોક્કસ સ્વેટર કે ગરમ કપડાં પહેરે તેવી ફરજ પાડતી હતી. આ પ્રકારની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ગઈ છે. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં અને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પાડતી સ્કૂલોએ સામે અગાઉ અનેક વખત વાલીઓએ ઉહાપોહ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.