માતા-પિતા, શિક્ષક અને દીક્ષા દેનાર એમ ત્રણ ગુરૂઓનું શાસ્ત્રોમાં ખૂબ મહાત્મ્ય છે: બાળપણમાં મેં તુલસીકૃત રામાયણના 11 વખત પાઠ પ્રજ્ઞાચક્ષુ દાદીમા સમક્ષ કર્યા હતા: ઉપલેટા બસસ્ટેન્ડમાં જોયેલી ગાયત્રી માના ફોટોવાળી ચોપડીએ મને ગાયત્રીભક્ત બનાવ્યો
માતા-પિતા, ગુરૂ અને શાસ્ત્રોનું માનીએ અને સોળ સંસ્કારો અનુસાર જીવન જીવીએ
નાગવદરની સિમેન્ટ ફેક્ટરીમાં દિવસ ને રાત કામ કરતાં-કરતાં 24 લાખ મંત્રોનું અનુષ્ઠાન કર્યુ હતું
પાત્રતા વિના માણસનું કલ્યાણ થતું નથી: આજે પણ 21 કલાક એકાંતવાસમાં રહું છું
આપણે ત્યાં એક ભજનમાં એવું ગવાય છે કે- સુખ ઔર દુ:ખમેં આનંદ રેવે, હરદમ હરિ ગુન ગાવે, સાધુ વો નર હમકો ભાવે.
સાચા સાધુ એ છે જે સુખ-દુ:ખની સ્થિતિમાં પણ આનંદમાં રહે અને સતત હરિ ભજન કરતા રહે. આવા જ એક સંત ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક ગાયત્રી આશ્રમમાં વસે છે, જેનું નામ છે પૂ.લાલબાપુ. આ સંત સાથે ‘અબતક’ની ટીમે ‘સંતસંગ’ કર્યો, જેનો પ્રથમ ભાગ પ્રગટ થયા પછી આજે બીજો ભાગ પ્રગટ કરી રહ્યાં છીએ.
પ્રશ્ર્ન : આજે બાળકોને સંસ્કાર સિંચનની વધુ જરૂર જણાઇ રહી છે ત્યારે શાળાઓમાં સત્સંગનો એક પિરિયડ રાખવો જરૂરી છે?
લાલબાપુ : હા, સાચી વાત છે, આપણા બાળકોને આજે મોબાઇલ સહિત અનેક સાધનોએ ઘેરી લીધા છે. બાળકોને સંસ્કારી બનાવવાની ખાસ જરૂર છે ત્યારે શાળાઓમાં નિયમિતરીતે સત્સંગનો પાઠ કે પિરિયડ આવવો જોઇએ. આપણા શાસ્ત્રોમાં ત્રણ ગુરૂનું મહત્વ દર્શાવાયું છે. પ્રથમ ગુરૂ માતા-પિતા, બીજા ગુરૂ વિદ્યાગુરૂ એટલે કે શિક્ષક અને ત્રીજા ગુરૂ સાચી દીક્ષા આપનાર દીક્ષાગુરૂ. જે મનુષ્યને દેવ બનાવવાનો માર્ગ બતાવે છે. માતા-પિતા બાળકને સૌથી પહેલા સંસ્કાર આપે છે એ પછી વિદ્યા એના શિક્ષક આપે છે. ગુરૂના ચિંધ્યા માર્ગે ચાલવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે પણ આપણે ત્યાં સ્થિતિ કંઇક જુદી છે.ગુરૂ લોભી, લાલચુ ચેલા,દોનો નરકમાં ઠેલમઠેલા.આ રીતે લોભી ગુરૂ અને લાલચુ ચેલા નરકમાં જાય છે.
પ્રશ્ર્ન : મોટે ભાગે સાધુઓ શિવ, રામ કે હનુમાનજીના પૂજક હોય છે પણ તમે ગાયત્રી માતાના પૂજક કેમ બન્યા?
લાલબાપુ : મને બાળપણથી ભક્તિનો રંગ ચડેલો હતો, નાનો હતો ખેતી કરતો. રાત્રે મારા 100 વર્ષની ઉંમરના પ્રજ્ઞાચક્ષુ દાદીમા મને કહેતા કે રામાયણ વાંચી સંભળાવને. હું ફાનસના અજવાળે રામાયણનું પઠન કરતો આવી રીતે મેં 11 વખત તુલસીકૃત રામાયણના પાઠ કર્યા છે. હું રામ મંદિરે જતો ખાખી સાધુઓ પાસે બેસતો, આમ પૂર્વના કોઇ સંસ્કારના કારણે મારામાં બાળપણથી ભક્તિભાવ હતો. એક વખત મને મેલેરિયા થયો, ઇન્જેક્શન દેવામાં આવ્યુ જે પાકતા ઉપલેટા ડ્રેસીંગ માટે જવું પડ્યુ ત્યારે બસસ્ટેન્ડમાં ગાયત્રી માતાના ફોટોવાળું એક પુસ્તક મેં જોયુ પણ મારી પાસે એક ખરીદવાના પૈસા ન હતા એટલે મેં દુકાનદારને કહ્યું કે અત્યારે મારી પાસે પૈસા નથી એટલે હું પછી આવીને લઇ જઇશ માટે આ ચોપડી મારા માટે રાખી દેજો. એ પછી નાગવદર ગામે વેણુ સિમેન્ટ ફેક્ટરીમાં રૂા.3.50માં 60 મજૂરો સાથે કામ કરતો. એકવાર અનુષ્ઠાન કરવાનો વિચાર આવ્યોને મેં શેઠને કહ્યું કે મને થોડી જગ્યા આપો તો તેમણે એક ઓરડી મને આપી જ્યાં હું 24 લાખ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન કરી શક્યો આ અરસામાં ઢાંક ગામે શાસ્ત્રી મગનલાલ જટાશંકર પાસેથી મેં ગાયત્રી મંત્રની દીક્ષા અને યજ્ઞપવિત લીધા. હું સવારે 4 વાગ્યે ઉઠીને 27 માળા કરતો એ પછી યજ્ઞ, તર્પણ, માર્જન વગેરે કરતો. મારો પગાર ઘેરે મોકલી દેતો કેમ કે હું ત્યારે ઘરના રોટલા ખાતો હતો પણ પુજાપાના પૈસા માટે હું રાતપાળી કરતો.
એકવાર એવો વિચાર આવ્યો કે આ કાયા કલ્યાણ કરવા માટે છે, મજૂરી કરવા માટે નહીં. એ પછી નોકરી છોડી કારખાનાની પાછળ નાનકડી ગુફા બનાવી ત્યાં તપ શરૂ કર્યું. ઉંઘ ન આવી જાય એટલા માટે મારા અંબોડાને રાંઢવા સાથે બાંધી ઉપર વળામાં બાંધી રાખતો. એ ગુફામાં સાપ, વિંછી, કાનખજૂરા જેવા જીવજંતુઓ પણ આવતા, એક ડબ્બામાં હું એ બધાને ભરીને બહાર મૂકી આવતો આ રીતે હું સવા કરોડ મંત્રોનો જાપ ત્યાં કરી શક્યો. ત્યારે સેવકો ઓછા હતા, કોઇ ત્યાં આવતુ પણ નહીં. એક રાત્રે અઢી વાગ્યે મને સ્વપ્નું આવ્યુ કે યજ્ઞ થઇ રહ્યો છે, બ્રહ્મબટુકો આહુતિ આપે છે. પછી મેં લોકોને વાત કરી અને થોડા દિવસ પછી 151 કુંડી યજ્ઞ ત્રણ દિવસ માટે થયો. આમ મારી શ્રદ્વા ગાયત્રી માતા પર ખૂબ રહી છે.
પ્રશ્ર્ન : માણસે પોતાનું કલ્યાણ કરવા પુણ્યનું ભાથું કમાવા સિવાય કોઇ રસ્તો ખરો?
લાલબાપુ : દાન-પુણ્ય કરવાથી કદાચ પુણ્ય મળતુ હશે પણ જ્યાં સુધી આપણે લાયકાત અને પાત્રતા ન મેળવીએ ત્યાં સુધી પ્રભુપ્રાપ્તિ થતી નથી. માણસે પોતાનુ કલ્યાણ કરવું હોય તો પરમાત્માની શરણાગતિ સ્વિકારવી જ પડે એના સિવાય કોઇ રસ્તો નથી.
પ્રશ્ર્ન : તમે આજેય દિવસમાં 21 કલાક એકાંતવાસમાં કેમ રહો છો?
લાલબાપુ : આ બધુ ઇશ્ર્વર પરના વિશ્ર્વાસના લીધે શક્ય બને છે. નાગવદરના આશ્રમે હતો ત્યારે પણ એકાંતમાં તપ કરતો આ આશ્રમે પણ એકાંત પસંદ કરૂં છું, અત્યારે રાત્રે 8:00 થી 11:00 વાગ્યા સુધી સત્સંગ માટે બહાર આવું છું. એકાંતથી ધીરજ વધે છે અને ધીરજ વધવાથી સાધના થોડી સરળ બને છે. સાધના થકી પ્રભુનો સાક્ષાત્કાર થઇ શકે છે. મને માત્ર દિવાના અજવાળે તપ કરવું પહેલેથી જ અનુકૂળ રહ્યું છે. વર્ષો સુધી આશ્રમની બહાર પગ ન મૂક્યો એવું ઘણીવાર બન્યું છે. હું મોટેભાગે ક્યાંય જતો નથી. કોઇને ત્યાં પધરામણી કરતો નથી. મારે માટે મારો સાધના ખંડ અને ગુફા જ ભલાં.
પ્રશ્ર્ન : લોકો માટે આપનો સંદેશો શું છે?
લાલબાપુ : નવું વર્ષ હમણાં જ બેઠું. કેલેન્ડરમાં પાના ફરતાં રહે છે પણ આપણે આપણા જીવનમાં કોઇ ફેરફાર કરતા નથી. આપણા ફેરફાર કરવાની જરૂર છે. નવા સંયમ, નિયમ, સંકલ્પ લઇએ. માતા-પિતા, ગુરૂ અને શાસ્ત્રોનું આજ્ઞાનું પાલન કરીએ. ધર્મના 16 સંસ્કારોને અનુસરીએ. મુગટમણી એવા ગાયત્રીમંત્રના જાપ કરીએ. દરેક ધર્મને, સંપ્રદાયને માન આપીએ, કોઇ ધર્મની ટીકા ન કરીએ પણ કોઇ એક ઇશ્ર્વર કે ધર્મને સમર્પિત થઇએ તો આપણે સદ્બુધ્ધિ પામીએ અને સદ્બુધ્ધિ થકી સ્વનું કલ્યાણ કરીએ.