કમિટી પાસે તપાસનો અધિકાર છતાંય શાળાઓની પ્રપોઝલમાં ખર્ચનું વિશ્ર્લેષણ કરવામાં આવતુ નથી
ખાનગી શાળાઓની ફી નક્કી કરતી સમિતિના ઓર્ડરને પડકારતી શાળાઓની રીટની સુનાવણી ફી રેગ્યુલેશન કમિટિની કામ કરવાની પદ્વતિ પ્રત્યે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે ખાનગી શાળાઓ પોતાની માર્કેટીંગનો ખર્ચ વિદ્યાર્થીઓના માથે નાખે એ યોગ્ય નથી. ફી કમિટી પાસે તપાસનો અધિકાર છે પરંતુ યોગ્ય રીતે શાળાઓની પ્રપોઝલમાં ખર્ચ અંગે વિશ્ર્લેષણ પણ કરવામાં આવતું નથી.
આ કેસની સુનવણી દરમિયાન મુખ્ય સરકારી વકિલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ફી નિર્ધારણ સમિતિઓમાં મુદ્ાઓની એક સૂત્રતા જળવાઇ એ માટે સરકાર એક સમિતિની નિમણૂંક કરશે. આ સમિતિ જિલ્લા કક્ષાએ ફી નિર્ધારણ સમિતિઓમાં એક સૂત્રતા આવે તે માટે એસઓપી બનાવશે.
ખાનગી શાળા સંચાલકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે શાળા સમિતિ સમક્ષ ફી વધારવા માટે દરખાસ્ત મોકલે છે પરંતુ 90 દિવસની સમય મર્યાદામાં એ અંગે ફી માટેના ઓર્ડર થતાં નથી. ઘણા કિસ્સામાં તો વર્ષ પૂર્ણ થવા આવે ત્યારે ઓર્ડર ફાઇનલ થાય છે. આ સમયે જે-તે શાળાનું વાર્ષિક ઓડિટ પણ થઇ ચુક્યુ હોય છે અને ખર્ચ પણ જમા થઇ ચુક્યો હોય છે. જેથી રિફંડ કેવી રીતે કરવું એવો સવાલ ઉભો થાય છે. ઉપરાંત ચાર ઝોનની કમિટીમાં પણ એક સૂત્રતા જળવાતી નથી.