ફકત શાળા છોડવાના પ્રમાણપત્રના આધારે સચોટ ઉંમર સ્થાપિત કરી શકાય નહીં
ગુજરાત હાઇકોર્ટે શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે, કોઈ વ્યક્તિની સચોટ ઉંમર સાબિત કરવા માટે લિવિંગ સર્ટિફિકેટ પૂરતો પુરાવો નથી. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ સમક્ષના એક કેસમાં 27 વર્ષ પહેલાં એક વ્યક્તિના નિર્દોષ છુટકારોને પડકારતી અરજીની સુનાવણી ચાલી રહી હતી. જેની ઉપર માર્ચ 1994માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો આક્ષેપ હતો.તેને 1996 માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે ફરિયાદ પક્ષ તેનો કેસ વાજબી શંકાથી આગળ સ્થાપિત કરી શક્યું ન હતું અને અદાલતે પીડિતાની જુબાની “પોલીસ દ્વારા શીખવવામાં આવેલી” હોવાનું ઠેરવ્યુ હતું.
આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે પીડિતાની ઉંમર સ્થાપિત થઈ શકી ન હતી. પીડિતાના પિતાએ છોકરીની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1982 દર્શાવતું શાળા છોડવાનું પ્રમાણપત્ર આપ્યું હતું પરંતુ અદાલતને તારીખની ચોકસાઈ અંગે શંકા હતી.પીડિતાના પિતાએ એવી પણ રજૂઆત કરી હતી કે તેણે છોકરીના જન્મની નોંધણી ગ્રામ પંચાયત પાસે કરાવી હતી પરંતુ ત્યાંથી જન્મનું પ્રમાણપત્ર મળ્યું ન હતું.
પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા કેસમાં છટકબારીઓ સાથે જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગડેની બેન્ચે નિર્દોષ છૂટવાના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.પીડિતાની ઉંમર વિશે ન્યાયાધીશોએ કહ્યું કે સાર્વજનિક શાળા દ્વારા જારી કરાયેલ શાળા છોડવાનું પ્રમાણપત્ર એવિડન્સ એક્ટની કલમ 35 હેઠળ સ્વીકાર્ય પુરાવા છે.
જો કે, સમર્થનાત્મક પુરાવાની ગેરહાજરીમાં છોકરીની ઉંમર સાબિત કરવા માટે તેની સ્વીકાર્યતા વધુ સાબિતી મૂલ્ય ધરાવતી નથી.