૧,૮૦,૮૦૫ બાળકોના આરોગ્યની ચકાસણી: ૩૮,૮૦૪ બાળકોને વિવિધ રોગો, પાંચને હાર્ટ અને એકને કિડનીની ગંભીર બિમારી
રાજય સરકાર દ્વારા ગત ૨૫મી નવેમ્બરથી રાજયભરમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ માસમાં શહેરનાં ૧૨૨૬ શાળાઓ અને ૩૪૨ આંગણવાડીઓમાં ૧,૮૦,૮૦૫ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે જેમાં ૩૮,૮૦૪ બાળકોને બિમારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૌથી વધુ ૧૬,૮૧૮ બાળકો પાંડુરોગથી પીડાય રહ્યા છે. ૭૮૮ બાળકોને સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
કોર્પોરેશનની ૧૬ ટીમો દ્વારા અલગ-અલગ શાળા અને આંગણવાડીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય તપાસમાં ૧૬,૮૧૮ બાળકોને પાંડુરોગની બિમારી હોવાનું બહાર આવ્યું છે જયારે ૩૩ બાળકો કુપોષિત છે. ૩૧૦૭ બાળકો ચામડીના રોગથી પીડાય રહ્યા છે જયારે ૯૯૨ બાળકોને કાનમાં પરૂની તકલીફ છે. ૫૪૫૯ બાળકોને સ્વસનતંત્રનાં રોગ છે. ૯૩૭૦ બાળકોને દાંતમાં સડો છે. ૨૨૬૯ બાળકોને આંખની તકલીફ છે. ૨૫ બાળકોને સાંભળવાની તકલીફ છે. જયારે ૧૨ બાળકો જન્મજાત ખામી ધરાવે છે. ૯૧૬ વિદ્યાર્થીઓને અન્ય રોગ હોવાનું બહાર આવ્યું છે. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન આ વર્ષે હાર્ટની બિમારીથી પીડાતા હોય તેવા ૫ બાળકો મળી આવ્યા છે અને ગત વર્ષના ૪ કેસ રીન્યુ થયા છે જે તમામને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રીફર કરાયા છે. કિડનીની બિમારીથી પીડાતું એક બાળક મળી આવ્યું છે જયારે અન્ય ગંભીર બિમારીવાળા બે બાળકો પણ ચકાસણી કાર્યક્રમમાં મળી આવતા તેઓને પણ સારવાર માટે રીફર કરાયા છે. હૃદય, કિડની, કેન્સર, રીવર ટ્રાન્સપ્લાન સહિતની બિમારીથી પીડાતા બાળકોને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.