અબતક, રાજકોટ
કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક બાળકોએ માતા-પિતા કે બેમાંથી કોઇ એક વાલી ગુમાવ્યા છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી બાલસેવા યોજનાની સાથે સામાજિક સંસ્થાઓ પણ સરકારની સંવેદનાની સાથે છે.
આજે રાજકોટમાં મુખ્યમંત્રીના 65 મા જન્મદિને અને રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલા સંવેદના દિવસની ઉજવણીના પ્રસંગે જે. એમ. ફાઇનાન્સના સહયોગથી કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને અભ્યાસ માટે વાર્ષિક રૂ. 50 હજાર સુધીની સ્કુલ ફી ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલ સંવેદના દિવસ ઉજવણી કાર્યક્રમમાં જે.એમ.ફાઇનાન્સ વતી પૂજાબેન દવે અને રાજય સરકાર વતી સમાજ સુરક્ષા નિયામક જી.એન.નાથીયાએ સમાજિક સેવાના એમ.ઓ.યુ. વિધીમાં હાજર રહ્યાં હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત તા. 18 માર્ચ 2020 પછી કોરોનામાં માતા-પિતા કે કોઇપણ એક વાલી ગુમાવનાર બાળકને આ યોજનાનો લાભ જે.એમ.ફાઇનાન્સ દ્વારા મળશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જે.એમ.ફાઇનાન્સના નિમેષભાઇનો પણ આ સેવાકીય યજ્ઞ બદલ આભાર માન્યો હતો અને ગુજરાત સરકાર આ સેવાકીય કાર્યમાં તમામ પ્રકારની મદદ વ્યવસ્થા અને સંકલન કરશે તેમ જણાવ્યું હતું.
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને મહિને રૂ. 4 હજાર, કોઇ એક વાલી ગુમાવનારને રૂ. 2 હજાર તેમજ અન્ય સરકારી લાભો ઉપરાંત સામાજિક દાયિત્વ – સંસ્થા સહયોગથી વર્ષે રૂ. 50 હજારની સ્કુલ ફી મળી આ તમામ સેવાનાં યજ્ઞ થકી ગુજરાતમાં માનવતાના દ્વાર ખુલ્યા છે, અને સમગ્ર દેશમાં ગુજરાત સામાજિક સેવામાં માર્ગદર્શક પ્રેરણાનું પ્રતિક બન્યું છે.