50 ટકાની સંખ્યા સાથે વર્ગો ખોલી શકાશે: સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે
અંદાજે 20 હજાર શાળાના 30 લાખથી વધુ બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે
ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 20 હજારથી વધુ શાળાઓના વર્ગો શરૂ થશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજયમાં 2જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે તે પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે. સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનોનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.
કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરવા માટે સક્રિય થઈ છે. બીજી તરફ, અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ શું ઈચ્છે છે એ માટે તેમનો સંપર્ક કર્યો હતો. એમાં 58 ટકા જેટલા વાલીઓએ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવાની ઈચ્છા દર્શાવી હતી. બંને સ્કૂલોએ ધોરણ 6થી 8ના વર્ગોના 1,850 વાલીનો સંપર્ક કર્યો હતો, જે પૈકી 1,323એ પ્રતિભાવ આપ્યા હતા. આ પૈકી 58 ટકા એટલે કે 778 વાલીએ સરકારની મંજૂરી મળ્યા પછી પોતાનાં સંતાનોને શાળાએ મોકલવા અંગે તત્પરતા દર્શાવી હતી.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો ગત 18 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલગન દ્વારા ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે 40ની કેપેસિટીવાળા ક્લાસમાં 10 જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી.