21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ
રાજ્યભરની શાળાઓ ફરી એકવાર શરૂ થઈ છે. 21 દિવસની દિવાળી રજાઓ બાદ શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી બાળકોનો કલરવ શાળાઓમાં ગૂંજયો છે.
રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રના અભ્યાસ માટે શાળાએ જવાનું શરૂ કર્યું છે. બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે. 14 માર્ચથી ધોરણ 10 અને 13 બોર્ડની પરીક્ષા શરૂ થશે. શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 મી એપ્રિલથી લેવાશે. બીજા શૈક્ષણિક સત્ર બાદ 1 મેથી 4 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. આગામી 5 જૂન 2023થી આગામી વર્ષનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ સાથે જ કોલેજોમાં ગઈકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે.