અમદાવાદમાં શાળાની બાળકી પર પ્રિન્સીપાલે કરેલા બળાત્કાર બાદ વિઘાર્થીઓની સુરક્ષાને લઇ કડક કાયદો: સ્કુલ બસમાં સીસી ટીવી, મહિલા કર્મચારી હોવા જરૂરી

બાળકોની સુરક્ષાને ઘ્યાને લઇ કાયદાઓ વધુ કડક બન્યા છે. ગુરગાવની રેયાન સ્કુલમાં માસુમ બાળકની થયેલી હત્યા બાદ શાળાએ જતા છાત્રોની સુરક્ષાને લઇ અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. અમદાવાદમાં એક શાળામાં આ પ્રકારનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. જેમાં શહેરની શાહપુર ખાતેથી મ્યુનિ. શાળામાં બાળકી પર પ્રિન્સીપાલે બળાત્કાર ગુજારતા છાત્રોની સુરક્ષા પર અનેકો સવાલો ઉઠયા છે. જેને લઇ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં સ્કુલ બસોને જીપીએસથી સજજ સહીત અનેક મહત્વની બાબતનો ઉલ્લેખ કરાયો છે.

૧૫મી ઓક્ટોબર પછી સીબીએસઈ સહિત રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે. જે શાળાઓ ગાઈડ લાઈન મુજબની સુરક્ષા નહીં ધરાવતી હોય તે શાળાઓની માન્યતા રદ કરવા સુધીનાં પગલાં પણ લેવામાં આવશે.

શાળામાં આવતાં બાળકોને લાવવા-લઈ જતાં ખાનગી વાહનો જેવાં કે રિક્ષા કે વાનમાં વધુ સંખ્યા ન ભરાય તે જોવાની જવાબદારી શાળા સંચાલકની રહેશે. સંજોગવશાત્ વાન કે રિક્ષામાં વધુ બાળકો બેસેલાં જણાય તો તે અંગે સંચાલકે આરટીઓને તુરંત જાણ કરવી પડશે.

શાળામાં ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ રાખવા પડશે. ગુનાઇત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિને નોકરીમાં રાખી શકાશે નહીં. તેથી શાળામાં ફરજ બજાવતા સ્ટાફના બેક ગ્રાઉન્ડની તમામ વિગત અને જાણકારી રેકોર્ડ સાથે રાખવાં પડશે. દર મહિને પેમેન્ટ અને ટીચર્સ મિટિંગનું આયોજન કરવું પડશે. બસમાંથી છેલ્લું બાળક ઊતરે નહીં ત્યાં સુધી મોનિટરિંગ કરવું પડશે.

તમામ શાળામાં વર્ગ ૪ના કર્મીઓ માટે અલગ ટોઈલેટ અને વોશરૂમ બનાવવાં ફરજિયાત. તમામ સ્કૂલ બસમાં સીસીટીવી અને જીપીએસ સિસ્ટમ ફરજિયાત અને એક મહિલા કર્મચારી બસમાં રાખવા ફરજિયાત બનાવાયાં છે, જે છેલ્લા બાળક સુધીનું ધ્યાન રાખશે.

શાળાના પરિસરનો ૧૦૦ ટકા હિસ્સો સીસીટીવી સર્વેલન્સમાં રાખવો પડશે. શાળાના મુખ્ય દરવાજે જરૂરી લાગે તો મેટલ ડિટેક્ટર લગાવવાં. જે શાળાની બાઉન્ડરી વોલ નીચી હશે તેની ઊંચાઈ વધારીને ૬ ફૂટની કરવાની રહેશે. શાળામાં બાળકોને વર્ગખંડમાં જવા માટે ચઢવા-ઊતરવાની બે લાઈનો અલગથી કરાવવાની રહેશે અથવા સીડીમાં ડિવાઈડર મૂકવું પડશે. નવી શાળાની મંજૂરી માટે સીસીટીવી સર્વેલન્સ ફરજિયાત કરાશે, જેની ચકાસણી બાદ જ એનઓસી અપાશે. ગુરુગ્રામની રેયાન સ્કૂલમાં થયેલી માસૂમ બાળકની હત્યા બાદ બાળકોની સુરક્ષા માટે અનેક સવાલો ઊઠ્યા છે. અમદાવાદની શાળામાં પણ તાજેતરમાં જ આવો એક બનાવ બન્યો છે. શહેરની શાહપુર ખાતેની મ્યુનિસિપલ શાળાની બાળકી પર કાર્યકારી પ્રિન્સિપાલ દ્વારા બળાત્કારની ઘટનાથી ચકચાર મચી હતી. સ્કૂલ વાહનની બેફામ ઝડપ અને કેપેસિટી કરતાં વધુ બાળકોને ભરીને લઈ જતી સ્કૂલ વાનના ચાલકો પર અંકુશ જરૂરી બન્યો છે. તાજેતરમાં બનેલી દિવ્યપથ શાળાના વિદ્યાર્થીઓને લઈને આવતી સ્કૂલ બસના અકસ્માતે બે માસૂમ વિદ્યાર્થીઓનો જીવ લીધો છે.

ત્યાર બાદ ગત સપ્તાહે આનંદ નિકેતન શાળાના ૨૧ વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલબસને પકવાન ચાર રસ્તા પાસે અકસ્માત નડ્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સ્કૂલ બસ, વાન, રિક્ષા પર ઝડપ અને સંખ્યા અંગેના અંકુશ જરૂરી બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.