અભ્યાસમાં કચાશ ન રહે તે માટે એપ્લીકેશનો મારફતે વિદ્યાર્થીઓને અપાય છે શિક્ષણ
વિશ્ર્વ આખામાં કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે ત્યારે ભારત દેશમાં આગામી ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થવા પામી છે. આ તકે ગુજરાત રાજય સરકારે ભણતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ સારો નિર્ણય લીધેલ છે જેમાં ધો.૧ થી ૯ અને ૧૧માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો ન પડે.
રાજયમાં કોરોનાનાં ૨૩ પોઝીટીવ કેસો નોંધાઈ ચુકયા છે અને એકનું મોત થયું છે ત્યારે હાલ કોરોનાના કહેરથી લોકોને બચાવવા રાજય સરકારે અભ્યાસ કરતા ધો.૧ થી ૯નાં વિદ્યાર્થીઓ અને ધો.૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે અને રાજયની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી છે.
રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી શાળા સંચાલક મંડળ અને કલાસીસ એસોસીએશને નિર્ણયને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવેલ છે. આ તકે શાળા સંચાલક મંડળનાં સંચાલકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે એક સરાહનીય પગલું છે જો સ્વાસ્થ્ય સારું રહેશે તો કોઈપણ પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી શકશે. હાલનાં તબકકે સોશિયલ ડિસ્ટન્સ રાખવું એટલું જ મહત્વપૂર્ણ બની રહ્યું છે જે અંતર્ગત રાજય સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તકે ગુજરાત રાજય સરકાર દ્વારા ધો.૧ થી ૯ અને ધો.૧૧નાં વિદ્યાર્થીઓને રીવીઝન કરાવવા માટે રીવીઝન લેકચરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે અબતક સાથેની વિશેષ વાતચીતમાં કલાસીસ ઓનર એસોસીએશનનાં હાર્દિકભાઈ ચંદારાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખરાઅર્થમાં સરાહનીય છે. આ નિર્ણયનાં પગલે વિદ્યાર્થીઓએ સીધુ જ નવા ધોરણમાં ભણવાનું રહેશે અને હાલ જે વૈશ્ર્વિક મહામારીનો સામનો હાલ સમગ્ર વિશ્ર્વ કરી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ કોઈપણ પ્રકારે ન બગડે તે હેતુસર સરકાર દ્વારા માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ કલાસીસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને તમામ પ્રકારે મદદ પણ કરવામાં આવી રહી છે જેથી તેઓ નવા ધોરણમાં પ્રવેશ મેળવે તો તેમનો પાયો મજબુત રહે. આ પ્રસંગે હાર્દિકભાઈ ચંદારાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાશે તો તેઓનું શિક્ષણ પણ ખુબ જ સારું રહેશે.
કલાસીસ ઓનર એસોસીએશનનાં પ્રકાશ કરમચંદાણીએ અબતક સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે, હાલ વિદ્યાર્થીઓએ શિક્ષણની પહેલા પોતાનું સ્વાસ્થ્ય જાળવું અત્યંત જરી છે. જો વિદ્યાર્થીઓ તેમનું સ્વાસ્થ્ય જાળવવામાં સફળ નિવડશે તો તે કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવી શકશે. આ તકે તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કલાસીસ ઓનર એસોસીએશન દ્વારા એપ્લીકેશનો બનાવવામાં આવી છે જેમાં દરરોજ નિયત સમયે વિદ્યાર્થીઓ સાથે બ થઈ તેઓને મુંઝવતા પ્રશ્ર્નો અંગે નિરાકરણ પર લાવવામાં આવે છે. હા એ વાત સાચી છે કે, કલાસમમાં મેળવેલ શિક્ષણની ગુણવતા અને સોશિયલ મીડિયાનાં ઉપયોગથી આપવામાં આવતા શિક્ષણની ગુણવતામાં ઘણોખરો ફેર હોય ત્યારે આ નવતર પ્રયોગથી જે રીતે શિક્ષણ આપવામાં આવે છે તેનાથી તેઓનો પાયો મજબુત બને છે. સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખરાઅર્થમાં સરાહનીય છે. કારણકે તેઓએ વિદ્યાર્થીઓની કારકિર્દીનાં બદલે તેમના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું છે.
શાળા સંચાલક મંડળ અને ન્યુએરા સ્કુલનાં સંસ્થાપક એવા અજયભાઈ પટેલે અબતક સાથે વાર્તાલાપ કરતા રાજય સરકારનાં વખાણ કર્યા હતા અને તેમનાં દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આવકાર્યો હતો. અજયભાઈ પટેલે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ન્યુ એરા સ્કુલ દ્વારા એક નવનિર્મિત સોશિયલ મીડિયા એપ્લીકેશન બનાવવામાં આવી છે જે એપ્લીકેશન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં મોબાઈલમાં ઈનસ્ટોલ પણ કરાવવામાં આવી છે જેથી તેઓને કોઈપણ વિષયમાં મુંઝવતા પ્રશ્ર્નો અંગે તેનું નિરાકરણ ત્વરીત થઈ જાય.
આ તકે તેઓએ જણાવ્યું હતું કે, હાલ જે માસ પ્રમોશનનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તેમાં અભ્યાસ કરતા ધો.૯નાં વિદ્યાર્થીઓ અને ધો.૧૧નાં વિદ્યાર્થીઓ કે જેઓને માસ પ્રમોશન મળશે અને તે બોર્ડમાં પ્રવેશ કરશે તે પૂર્વે જ તેમના અભ્યાસને મજબુતી આપવામાં આવી છે અને તેજ દિશામાં તેઓને શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. અંતમાં તેઓએ વિદ્યાર્થીઓને અપીલ પણ કરી હતી કે, હાલનાં પ્રવર્તીત સમયમાં તેઓ ઘરમાં રહી તેમનું શિક્ષણ મેળવે જેથી સમગ્ર વિશ્ર્વમાં જે મહામારી ફેલાણી છે તેનાથી તેઓ પણ બચે અને તેમનાં પરીવારજનોને પણ આ આપતીમાંથી બચાવે.