ભાજપ મહિલા મોરચાના પતિની હરકતથી બુદ્ધિજીવીમા આક્રોશ
કોટડા સાગાણીના નવી મેંગણી ગામેં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં સંચાલક ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા લોધીકા પોલીસે ગુનો નોંધાતા જ સ્કૂલ સંચાલક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની અને તેના વાલીઓ શનિવારે લોધિકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. વિદ્યાર્થિનીઓએ પોતે જ્યાં અભ્યાસ કરે છે તે નવી મેંગણીની જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી તેમની સામે ખરાબ દૃષ્ટિથી જોતો હતો અને છેલ્લા એક મહિનામાં અલગ અલગ બહાના હેઠળ ઓફિસમાં બોલાવતો હતો અને પાછળથી જકડી રાખી અડપલાં કરતો હતો એક મહિનામાં છ વખત આવા કૃત્ય કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
સ્કૂલ સંચાલક દિનેશ જોષીના પત્ની સીમા જોષી લોધિકા તાલુકા ભાજપના મહિલા મોરચાના આગેવાન છે. દિનેશ જોષીના સમર્થનમાં પોલીસમથકે પહોંચેલા કેટલાક આગેવાનોનો ભોગ બનનારના પરિવારજનોએ ઊધડો લીધો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ બંને વિદ્યાર્થિનીના વિસ્તૃત નિવેદનો નોંધ્યા હતા, તેમજ ગુનો નોંધાતા જ નાસી છૂટેલા દિનેશ જોષીની શોધખોળ તેજ કરવામાં આવી હતી. લોકોના રોષને જોઇને પોલીસે ફરિયાદ નોંધી સ્કૂલ સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.