આપણા ધાર્મિક ઢાંચાને અને આપણી સાંસ્કૃતિક રીતભાત ઉપર કઠુરાઘાત કરે છે: કોરોના અને લોકડાઉનની બેહૂદી તરાપ મંદિર-સંસ્કૃતિ તથા ધાર્મિક પ્રણાલિકાઓને તથા ધર્મક્ષેત્રને અવરોધે છે અને સત્તાધીશો દ્વારા તેમાં નિરંકુશ ચંચૂપાત થાય છે: ધંધા રોજગાર અને બેરોજગારીની મુશિબતો હદ વટાવતી હોવાનો પૂણ્યપ્રકોપ પણ ખૂલ્લો થતો રહ્યો છે!
આપણા કોરોનાગ્રસ્ત સમાજને અને તેની સાથે સંકળાયેલા શિક્ષણ કેળવણી, પરીક્ષા, વેપાર ધંધા, બેરોજગારી, માંદગી, દુન્યવી કૌટુંબિક વ્યવહારો અને આદાનપ્રદાન તેમજ અવનવી મુશ્કેલીઓ-મુંઝવણોએ આપણા સમાજમાં અને કદાચ દેશના ઘણા ભાગોમાં મનોરોગીઓની સંખ્યા વધારી દીધી હોવાની ટકોર અભ્યાસીઓએ કરી છે, પણ આપણા રાજકર્તાઓને તે દેખાઈ નથી એને ‘અમંગળ એંધાણ’ લેખ્યા વિના રહી શકાય તેમ નથી.
આપણા દેશના ધાર્મિક ઢાંચાને અને આપણી સાંસ્કૃતિક રીતભાતને તે હણે છે અને તેના ઉપર બેહુદા કુઠારાઘાત કરે છે.
એવું જાણી શકાય છે કે, કોરોનાગ્રસ્ત હાલાકીઓની તેમજ લોકડાઉનની બેહૂદી તરાપ મંદિર સંસ્કૃતિને તથા ધાર્મિક પ્રણાલિકાઓને-કે ધર્મક્ષેત્રને લોકોની લાગણી દુ:ખાય-દુભાય એટલી હદે અવરોધે છે. સત્તાધીશો દ્વારા કોઈને કોઈ બહાના હેઠળ તેમાં નિરંકુશ ચંચુપાત થતા રહે છે. ધંધા-રોજગાર અને બેરોજગરીની મુશિબતો હદ વટાવતી હોવાનો પૂણ્યપ્રકોપ પણ અભિવ્યકત થતો રહ્યો છે.
રાજકારણીઓ વચન આપવાની બાબતમાં જેટલા ઉદાર હોય છે, એટલા વચન પાળવાની બાબતમાં હોતા નથી.
ચૂંટણી વખતે આપણી સરકારે પ્રજાને બેકારી દૂર કરવાનું વચન આપ્યું હતુ. કારણ કે અગાઉની સરકાર સત્તા ઉપરથી ફેંકાઈ જવાનું મૂળ કારણ વધી રહેલી બેકારી અને હતાશા હતી. અગાઉની સ રકારની જેમ આ સરકારને પણ ખબર છે કે તેઓ જો બેકારીના રાક્ષસને નાથી નહી શકે તો પાંચ વર્ષ પછી તેઓ પણ સત્તા ઉપરથી ફેંકાઈ જશે. અ કારણે બેકારી દૂર કરવાની કોઈક યોજના ઘડી કાઢવી અને તેનો અમલ કરવો એ તેમના માટે પણ ખૂબ જરૂરી હતુ. આ કારણે જ ખુરશી ઉપર સ્થિર થયા પછી આ બાબતમાં તેમણે બૌધ્ધિક કસરત તો જરૂરી શરૂ કરી દીધી હતી.
આપણા દેશની કોરોનાગ્રસ્ત શિક્ષણ-પધ્ધતિએ તો આ દેશને પારાવાર નુકશાન કર્યું છે.
ઓનલાઈન-ભણતરનો આશરો સરકારે ભલે ના છૂટકે કે અનિવાર્ય પણે લેવો પડયો હોય, પરંતુ ખરા અર્થમાં તો આને લગતો પાઘડીનો વળ છેડે આવશે ત્યારે કેળવણીની જે હાલત જોવા મળશે તે ચોંકાવનરી, બેહુદી અને આ દેશના ભાવિ નાગરિકો અને ઉગતી પેઢી ઉપર એની કેટલી હદે બૂરી અસર થશે તે બહાર આવશે. એ નુકશાન કલ્પનાતીત આઘાતજનક હશે એમ દેખાયા વિના રહેતું નથી.
આ ઉપરાંત દેશના રાજકીયક્ષેત્રે અને સામાજિક -વ્યાપાર ઉદ્યોગ અને ચારિત્ર્ય ઘડતરની બાબતમાં પણ અતિ બૂરી હાલત જોવા મળશે, એ નિર્વિવાદ છે.
આ બધુ આપણા દેશની ગઈકાલ, આજ, અને આવતીકાલનું ચિત્ર ઉપસાવે છે, જે આપણા દેશમાં બધું જ સારૂં થયું છે. એવો સંતોષ લઈ શકાય તેમ નથી અને કશું જ સારૂ થયું નથી, એવો અસંતોષ પણ વ્યકત કરવો પડે તેમ નથી.
મહાભારતના યુધ્ધ પછી વિજય-પરાજયની વાતો બહાર આવી જ હતી.
એ વખતે એવું કહેવાયું હતુ કે,એ વિજય વાદળે ઢંકાયેલા નિસ્તેજ સૂર્ય જેવો !, એ વિજય દુષ્કાળમાં ભૂખને કારણે, તરફડતાં હાડપિંજરોનાં સમૂહ જેવો !, એ વિજય પ્રિયજન ગુમાવીને એકલી એકલી ઝૂરતી વિરહિણીના નિસાસા જેવો !, એ વિજય સૂકાઈ ગયેલા તળાવના તળિયા જેવો !, એ વિજય સ્મશાનમાં પીરસાતા મિષ્ટાન જેવો !
યુધ્ધમાં શું બને છે ? એક પક્ષ હારે છે અને બીજો પક્ષ જીતે છે ખરી હકિકત એ છે કે યુધ્ધમાં વિજય પામનાર પક્ષ પણ હારે છે. પ્રથમ વિશ્ર્વયુધ્ધમાં અને બીજા વિશ્ર્વયુધ્ધમાં જેમનો વિજય થટો હતો એ દેશોની ખુવારી ઓછી ન હતી. યુધ્ધની ખરી કરૂણતા (ટ્રેજડી)એ નથી કે એમાં ઘણા માણસો મરે છે યુધ્ધની ખરી કરૂણતા એ છે કે એમાં માણસો મરે તેની કરૂણતા પણ મરી જાય છે. મરેલા માણસોની કરૂણતા એક આંકડો બનીને થીજ જાય છે.