દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસુ કેરળ પહોંચ્યું હોવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે કરળના દક્ષિણ કિનારે વરસાદ પડ્યો હતો અને હવે ગુજરાતમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવીટી તળે છેલ્લા 24 કલાકમાં 25થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો અને પ્રિ-મોન્સુન એક્ટિવીટી અસરતળે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા સીવાયના વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે છુટો છવાયો વરસાદ પડશે.
દરિયાકાંઠા સીવાયના વિસ્તારમાં વરસાદ પડશે કેમ કે દરિયા કિનારેથી હાલ વાદળાઓ બંધાયને જમીનના તળ વાળા વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો કેટલાંક વિસ્તારમાં વરસાદની સાથે સાથે વીજળી પડવાની શકયતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસાવદર, ધારી, જસદણ, ચોટીલા, પડધરી, શાપરમાં વરસાદની વધુ શકયતા દેખાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જસદણના આંબરડીમાં તો ભારે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જસદણના ભડળી, બધાણી, સોમલપુર અને સોમપીપળીયામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં તો થોડા સમયની અંદર 4 ઈંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 4 ઈંચ વરસાદ વરસતા જસદણ તાલુકાના 4 થી 5 ગામના નાના-મોટા ચેકડેમ ઓવરફલો થયા હતા.
બીજીબાજુ અમદાવાદમાં પણ મોડીરાત્રે અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મણીનગર, ઈશનપુર, નારોલ, બોપલ, સેલા, સીલજ, પ્રહલાદનગર, વેજલપુર, વાસણા, ઘોડાસર, એસ.જી. હાઈવે, રાણીપ અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદ વરસ્યો હતો. બીજીબાજુ રાજ્યમાં આગામી 5 દિવસની વરસાદની આગાહી છે.
ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શકયતા છે. નવસારી, મહીસાગર, ડાંગ, તાપી, વલસાડ, દાહોદ, પંચમહાલ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના વિસાવદર, જસદણ, અમરેલી, ધારી, પડધરી, શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વાદળ છાંયા વાતાવરણ તેમજ અમુક વિસ્તારોમાં વીજળી અને કરા સાથે વરસાદ વરસશે.
આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબીત થઈ શકે છે. દક્ષિણ-પશ્ર્ચિમ પ્રિ-મોન્સુનના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ચાલુ માસે વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસુ 15 જુન બાદ દસ્તક દેશે
કેરળમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. કેરળના દક્ષિણ કિનારે વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ-પશ્ર્ચિમી અરબી સમુદ્ર પર વાદળોનું પ્રમાણ વધ્યું છે. કેરળ પહોંચ્યા બાદ મોન્સુન ધીમે ધીમે પશ્ર્ચિમ-મધ્યમ અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધીમાં દિલ્હી પહોંચશે. બીજીબાજુ હવે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ છે જેને લઈ હવે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે કેરળમાં હવે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થશે.
દર વર્ષની જેમ 15 દિવસ બાદ દસ્તક લેતુ હોય છે ત્યારે હવે ગુજરાતમાં આગામી 15 જુન બાદ ચોમાસુ દસ્તક દઈ દેશે અને લગભગ 17 થી 18 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે બેસશે. ચોમાસુ આ વર્ષે ખેડૂતો માટે મદદગાર સાબીત થશે. ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. ગુજરાતમાં 101 ટકા વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે.