સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ
રવિવારે ગોંડલ પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું: તુલસી શ્યામના જંગલમાં પણ ધોધમાર વરસાદ: અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
સૌરાષ્ટ્રમાં રવિવારે અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. રાજકોટના ગોંડલમાં કાળમેઘડા ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં કાળમેઘડા તેમજ આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બીજી તરફ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સૌરાષ્ટ્રમાં અગ્રીમ ગણાતા ગોંડલ યાર્ડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જણસીની આવક શરૂ કરવામાં આવી હોય મોટાભાગની જણસી છાપરાની અંદર જ મુકવામાં આવી હોય ખુડુતોનો કિંમતી મોલ બચી ગયો હતો.
કાનાવડાળા ગામે ઝાડ નીચે ઉભા રહીને બે ખેતમજૂરો ફોન પર વાત કરતા હતા ત્યારે ઝાડ પર વીજળી ત્રાટકતાં ગંભીર રીતે દાઝી ગયેલા એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક મજૂરનું નામ સુથારસીંગ મંગલસીંગ જમરા (ઉ.વ.૩૦) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્યપ્રદેશનો વતની હતો.
સૌરાષ્ટ્રના ખાંભા પંથકમાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ખાંભા અને ગીર જંગલ પાસેના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ઉનાળુ અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.
ગીરગઢડાના જંગલ વિસ્તાર સહિત ધોકડવા, મોતીસર અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અમીછાંટણા પડ્યા હતા. રાજકોટ પાસેના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલમાં અસહ્ય બાફારા અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલના આંબરડી, કોલીથડ સહિતના આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં પણ વરસાદ પડ્યો હતો.
કાલાવડના ભાવાભી ખીજડીયા ગામે વીજળી પડતા શ્રમિકનું મોત
કોરોનાના કહેર વચ્ચે કમોસમી વરસાદ પડતા વીજળીએ શ્રમિક પરિવારના મોભીનો ભોગ લીધો
વિશ્ર્વ આખું કોરોનાના કહેર સામે જજુમી રહ્યું છે ત્યારે ગઈકાલે જામનગર પંથકમાં કમોસમી વરસાદ પડતા કાલાવડના ભાવાભી ખીજડીયા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકોનું મોત નિપજતા શ્રમીક પરિવારમાં કરુણ કલ્પાંત સજાર્યો હતો. બનાવ અંગેની જાણ કાલાવડ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ કાલાવડના ભાવાભી ખીજડીયા ગામે રહેતા સહદેવસિંહની વાડીએ મજૂરીકામ કરતો ઉમરસંગ મગલસંગ જમરા (ઉ.વ.૩૦) નામનો શ્રમીક યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ગઈકાલે કાલાવડ પંથકમાં કમૌસમી વરસાદ પડતા ધડાકા-ભડાકા સાથે ખેતરમાં વીજળી પડતા ખેતરમાં કામ કરતો ઉમરસંગ જમરા ઉપર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું.
કોરોનાના કહેર વચ્ચે કમૌસમી વરસાદના કારણે ભાવાભી ખીજડીયા ગામે વીજળીના કારણે શ્રમીકનું મોત થયાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગેની જાણ કાલાવડ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા એએસઆઈ પી.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.