રોગચાળાએ રાજકોટમાં અજગરી અને ડરામણો ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં તાવ-શરદી અને ઝાડા-ઉલ્ટીના 1632 કેસ કોર્પોરેશનના ચોંપડે નોંધાયા છે. ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાના 5-5 જ્યારે મેલેરિયાનો એક કેસ મળી આવ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 351 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાના પાંચ-પાંચ, મેલેરીયાનો એક, શરદી-ઉધરસના 79, ઝાડા-ઉલ્ટીના 248 અને સામાન્ય તાવના 94 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 351 આસામીઓને નોટિસ
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂ અને ચીકન ગુનિયાના પાંચ-પાંચ કેસ ઉપરાંત મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 1279 કેસ, ઝાડા-ઉલ્ટીના 248 કેસ અને સામાન્ય તાવના 94 કેસ કોર્પોરેશનના ચોંપડે નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ચીકન ગુનિયાના કેસમાં વધારો થયો છે. રોગચાળાને નાથવા માટે 56-મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશાના બહેનો અને 115 વોલિયન્ટર્સ દ્વારા એક સપ્તાહમાં 64173 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 1505 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરાઇ હતી.
બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિનરહેણાંક હેતુની 803 મિલકતોમાં મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત માત્ર 11 સ્થળોએ મચ્છરના લારવા મળતા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 340 મિલકતોમાં મચ્છરની ઉત્પતિ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે.