રાજકોટમાં રોગચાળાનો અજગરી ભરડો: શરદી-ઉધરસના 528, ઝાડા-ઉલ્ટીના 242 અને સામાન્ય તાવના 49 કેસ: મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો
મચ્છરોની ઉત્પતિ સબબ 421 આસામીઓને નોટિસ: 46 વ્યક્તિઓ પાસેથી રૂ.46,950નો દંડ વસૂલાયો
રોગચાળાએ જાણે રાજકોટમાં અજગરી ભરડો લઇ લીધો હોય તેવું લાગી રહ્યું છે. મચ્છર અને પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી સદંતર બેઅસર પૂરવાર થઇ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂના 10 કેસ નોંધાતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 421 આસામીઓને નોટિસ ફટકારી 46 લોકો પાસેથી રૂ.46,950નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ તાવના 10 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો છે. સતત રોગચાળો માથું ઉંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક સપ્તાહમાં શરદી-ઉધરસના 528 કેસ, સામાન્ય તાવના 49 કેસ અને ઝાડા-ઉલ્ટીના 242 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા 700થી વધુ લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. છતાં રોગચાળો ઘટવાનું નામ લેતો ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 52,157 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 772 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાંથી ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસ મળી આવ્યા છે. ત્યાં આરોગ્ય શાખા દ્વારા ફોગીંગ વધારી દેવામાં આવ્યું છે. સાથોસાથ દર્દીના ઘરની આસપાસ વસવાટ કરતા લોકોના લોહીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવી રહ્યા છે. પાણીજન્ય ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોટેલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિનરહેણાંક હોય તેવી 439 મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 137 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 46 આસામીઓ પાસેથી રૂ.46,950નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. રહેણાંક હેતુની 284 મિલકતોમાં પણ મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ડેન્ગ્યૂના કારણે એક માસૂમ બાળકીનું મોત પણ નિપજ્યું હતું. હાલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા પડ્યા છે. કોર્પોરેશન દ્વારા ભલે ડેન્ગ્યૂના 10 કેસ જાહેર કરવામાં આવ્યા હોય પરંતુ વાસ્તવિક આંક ઘણો મોટો હોવાની શંકા જણાઇ રહી છે.