ઐતિહાસિક અને ધાર્મિક નગરી જૂનાગઢના એક લબ્ધ પ્રતિષ્ઠિત વિસ્તારમાંથી ગઇકાલે પોલીસે એક મહિલા દ્વારા ગુજરાત અને મુંબઇથી રૂપલલનાઓને બોલાવી ચલાવાતા કૂટણખાના પર ત્રાટકી લોહીના ધંધાના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો અને આ દરોડા દરમિયાન કુટણખાનાની સંચાલક મહિલા સહિત તથા અન્ય ચાર મહિલા અને એક ગ્રાહક સહિત કુલ 6 શખ્સોને પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા ડામોર,જુનાગઢ એ ડિવિઝન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટ પરમાર, ડી સ્ટાફ અને મહિલા પોલીસ સહિતના કાફલાએ બાતમીના આધારે ગઈકાલે રાત્રે જગમાલ ચોક વિસ્તારમાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 303 ઉપર દરોડો પાડી, એક કુટણખાનું ઝડપી પાડયું હતું અને અહીંથી પાંચ મહિલાઓ તથા એક ગ્રાહક સહિત કુલ 6 શખ્સોને પકડી પાડયા હતા તથા આ કુટણખાનામાંથી કોન્ડમ પેકેટ 6, 1 મોબાઇલ, તથા રોકડા રૂ. 1,260 મળી આવતા જપ્ત કર્યા હતા.
આ અંગે ડીવાયએસપી જાડેજાના જણાવ્યા અનુસાર પોલીસને એવી બાતમી મળી હતી કે, જૂનાગઢના જગમાલ ચોકમાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. 303 માં રહેતા મનિષાબેન નીરજભાઈ વિઠલાણી (ઉં.વ. 22) દ્વારા ગેરકાયદેસર લોહીનો વેપાર ચલાવાઈ રહ્યો છે અને અહીં બહારથી મહિલાઓ અને ગ્રાહકોને બોલાવી કાળા કામો અને લોહી નો ધંધો ચલાવાઈ રહ્યો છે.
ત્યા જૂનાગઢ એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ એ કે પરમાર, ડી સ્ટાફ અને મહિલા પોલીસની ટીમે ગઈકાલે આદિનાથ એપાર્ટમેન્ટ ઉપર રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો અને ત્યાંથી કૂટણખાનાની મહિલા સંચાલક મનીષાબેન નીરજભાઈ વિઠલાણી, ગ્રાહક કમલેશ રૂપચંદ કેશવાણી (ઉંમર વર્ષ 27) ની સાથે આણંદ શહેરની એક 29 વર્ષની યુવતી, મુંબઈની 43 વર્ષની યુવતી, અમદાવાદની 22 વર્ષની યુવતી અને રાજકોટના બાબરિયા કોલોનીમાં રહેતી એક 24 વર્ષની યુવતી મળી આવતા તમામની અટક કરી તેમની સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસને આ રેઇડ દરમિયાન કુટણખાના ઉપરથી 6 કોન્ડમ, 1 ફોન, રોકડા રૂ. 1260 સહિતનો મુદ્દામાલ મળી આવતા તમામ જપ્ત કરવામાં આવ્યો છે. જુનાગઢ જેવા ધાર્મિક નગરમાં અને તે પણ પ્રતિષ્ઠિત એરિયામાં પોલીસ દ્વારા કૂટણખાના પર દરોડો પાડી, લોહીના ધંધાનો પર્દાફાશ કરી પાંચ મહિલાઓ સહિત કુલ છ ની અટક કરતાં જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જુનાગઢ પોલીસની આ કામગીરીથી લોકોમાં ભારે સરાહના પણ થઈ રહી છે.