પોલીસે ગુનો ન નોંધતા અદાલતમાં ફરિયાદ: બે શખ્સો સામે તપાસના આદેશ
કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં છ ગરીબ પરિવારને કવાર્ટર અપાવી દેવાના બહાને રૂ.5.51 લાખની છેતરપિંડી
આવાસ યોજનાના કવાર્ટરના હપ્તા ન ભર્યા હોય તેવા શીલ કરેલા કવાર્ટરના નંબર મેળવી બારોબાર વેચી લાખોનું કૌભાંડ આચર્યા અંગેની બે શખ્સો સામે પોલીસે ગુનો ન નોંધતા અંતે અદાલત દ્વારા ફરિયાદ નોંધી તપાસનો હુકમ કર્યો છે.પેડક રોડ પર આવેલી બેન્કમાં નોકરી કરતા પિયુશ વસાવડીયા અને સદગુરૂ રણછોડનગર સોસાયટી રહેતા મનસુખ અંધાણી નામના શખ્સોએ કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટ નજીક આવેલા શહિદ ઉધમસિંહ ટાઉનશીપ અને હરી ધવા મેઇન રોડ પર કવિ કલાપી શ્રધ્ધા સોસાયટીમાં સસ્તા અને નાના બજેટમાં આવાસ યોજનાના ફલેટ અપાવી દેવાના બહાને તરકટ રચ્યું હતું.
બંને શખ્સોએ નવા થોરાળા રામનગરમાં રહેતા સલીમ અલ્લારખા કંડોળીયા, દુધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટીના દિનેશ પાઠક, રામનગર સોસાયટીના નયનાબેન મકવાણા, આરાધના સોસાયટીના જાગૃતિબેન પરમાર, નહેરૂનગરમાં રહેતા મહેશભાઇ વાઢેર અને રામનગરના નયનાબેન નવલભાઇ પાસેથી રૂા.5.51 લાખ પડાવ્યા બાદ કવાર્ટર અપાવ્યા ન હતા.
તમામે આ અંગે કોર્પોરેશનમાં તપાસ કરતા પિયુશ વસાવડીયા અને મનસુખ અંધાણી નામના કોઇ કર્મચારી જ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને શખ્સો સાથે ભાવેશ પંડયા નામના શખ્સની પણ સંડોવણી બહાર આવી હતી પરંતુ તેનું અવસાન થયાનું બહાર આવ્યું છે.બંને શખ્સોએ સામે થોરાળા પોલીસ મથકમાં છ છ વખત લેખિત ફરિયાદ આપવા છતાં ગુનો ન નોંધતા અદાલતમાં આખરે દાદ માગવામાં આવતા બંને સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી તપાસનો હુકમ કર્યો છે.ફરિયાદી વતી એડવોકેટ તરીકે સંજય એચ.પંડયા, મનિષ એચ.પંડયા, રવિભાઇ ધ્રુવ, ઇશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ અને વનરાજસિંહ જાડેજા રોકાયા હતા.