- બી. ડિવિઝન પોલીસ મથકમાં વાહનના ધંધાર્થી અને તેના મિત્ર વર્તુળ સાથે બેલડીએ 26 કાર લઈ જઈ રૂ.1.81 કરોડની છેતરપીંડી આચર્યાની ફરિયાદ દાખલ
રાજકોટ શહેરમાંથી કાર ભાડે લઈ જઈ બારોબાર વેંચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઠારીયાના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી પટેલ અને જામનગરના બિલાલ શાહમદારને મોરબી પંથકમાંથી દબોચી લઈ કરોડો રૂપિયાની મોંઘીદાટ કાર કબ્જે કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બી. ડિવિઝન પોલીસ મથકમાં વાહનના ધંધાર્થી અને તેના મિત્ર વર્તુળ સાથે બેલડીએ 26 કાર લઈ જઈ રૂ.1.81 કરોડની છેતરપીંડીની આચર્યાની ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ તાલુકા પોલીસ મથકમાં એક કારની છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર બનાવ અંગે રાજકોટમાં રેલનગર-2માં જાનકી વાટિકા સોસાયટી શેરી નં.2 માં રહેતાં પીન્ટુભાઇ રાજેશભાઈ ચાવડા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગન પટેલ (રહે. ખોડલધામ સોસાયટી ગેઈટ નં.2, કોઠારીયા રોડ) અને બિલાલ હશન શા શાહમદાર (રહે. હર્ષદ મિલની ચાલી, જામનગર) નું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મોરબી રોડ જકાતનાકા પાસે પિતૃકૃપા કોમ્પ્લેક્ષમા મહાદેવ સેલ્ફ ડ્રાઈવીંગ નામની ઓફિસ આવેલ છે અને ફોરવ્હીલ સેલ્ફ ડ્રાઈવીંગમાં ભાડે આપવાનો ધંધો કરે છે. તેઓની સાથે જયકિશનભાઈ હરેશભાઇ ભટ્ટ, શીવમભાઇ ભટ્ટ, કૌશીકભાઇ ગાંગાણી, દેવાંગભાઈ હરસોડા, પ્રતીક પટેલ ભાગીદાર છે. તેઓની પાસે ગ્રુપની કુલ 20 ફોરવ્હીલ ગાડીઓ છે અને સેલ્ફ ડ્રાઇવીંગમાં ગ્રાહકનુ આધાર કાર્ડ તેમજ ડ્રાઇવીંગ લાઈસન્સ લઇ ભાડુ એડવાન્સ લઈને ગાડી સેલ્ફ ડ્રાઇવીંગથી ભાડે આપે છે.
એકાદ વર્ષ પહેલા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકીનો ફેસબુક મારફતે તેમના પાર્ટનર જયકિશનભાઈ ભટ્ટને સંપર્ક થયેલ હતો. કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે એકીની બેઠક આહીર ચોકમાં હતી. તેને કયારેક કયારેક ગાડીઓની જરૂર હોય તો સંપર્ક કરતો અને તેને તેઓ ગાડીઓ ભાડેથી આપતા અને તે પોતાનુ કમીશન રાખી ગાડીઓ તેના કસ્ટમરને સેલ્ફ ડ્રાઇવીંગથી ભાડેથી આપતો હતો. બે મહિના પહેલા કાનજી ઉર્ફે આકાશનો ભાગીદાર જયકિશનભાઈ ભટ ઉપર આવેલ અને કહેલ કે, મારી પાસે એક પાર્ટી આવેલ છે.
તેને પાંચ દિવસ માટે તેને એક નાની સારી ગાડી જોય છે. પાર્ટી વિશે પૂછતાં તેને કહેલ કે, બિલાલભાઈ શાહમદાર નામના શખ્સને ગાડી જોઈએ છે. જેથી જયકિશનએ કહેલ કે, સારૂ અમારી પાસે કિયા સેલટોસ ગાડી છે અને એક દિવસનું ભાડુ રૂ.3 હજાર જણાવતાં કાનજી ઉર્ફે આકાશ હા પાડી રાત્રીના આરોપી ઓફીસે આવેલ અને કીયા સેલટોસ ગાડી ભાડેથી સેલ્ફ ડ્રાઇવીંગમાં પાંચ દિવસ માટે આપેલી હતી પાંચ દિવસનું ભાડુ રૂ.3 હજાર લેખે રૂ.15 હજાર એડવાન્સ લીધેલ હતુ. ત્યારબાદ પાંચ દિવસ પુરા થતા હોય જેથી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકીએ જયકીશનને ફોન કરીને કહેલ કે, આ ગાડી ગમી ગયેલ છે અને હજુ પાંચ દિવસ ગાડી જોય છે તેમ વાત કરેલી અને ઓફીસે આવી બીજા પાંચ દિવસનું ભાડુ રૂ.15 હજાર આપેલ હતાં. તેમજ તે પાર્ટીને બીજી એક ગાડી જોય છે તેમ વાત કરેલી જેથી ટોયોટા કોરોલા હતી. જે ગાડી પાંચ દિવસ માટે સેલ્ફ ડ્રાઇવીંગથી ભાડેથી પાંચ દિવસના રૂ.9 હજાર તેણે આપેલા હતાં. ત્યારબાદ કિયા ગાડી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકીએ પંદરમાં દિવસે પરત કરેલી અને તેનું ભાડુ આપી દીધેલ હતુ અને ટોયોટા કોરોલા ગાડી દિવસ – 10 રાખી તેનું ભાડુ પણ આપી દિધેલ હતુ. ત્યારબાદ બંને આરોપી રેગ્યુલર ધંધાનુ ગાડીનુ ભાડુ સમયસર આપી દેતા હોય જેથી તેઓ ઉપર પુરો વિશ્ર્વાસ બેસી ગયેલ હતો. ત્યારબાદ કાનજીએ જામનગર વાળા બિલાલને ગાડીઓ આપવા ગાડીઓનું અલગ અલગ ભાડુ નકકી કરી આર્ટિગા, થાર, ફોચ્ર્યુનર, વર્ના, સ્કોર્પિયો, કિયા બ્રેઝા સહિતની 14 કાર રૂ. 2 હજારથી રૂ.4500 ના ભાડે મોરબી રોડ આવેલ ઓફિસથી લઇ ગયેલ હતાં. જે ગાડીઓનુ ભાડુ તથા ગાડીઓ પરત આપેલ નથી.
જે ગાડીઓનુ ભાડુ કાનજી ઉર્ફે આકાશ સમયસર ચુકવતા ન હોય જેથી વારંવાર ભાડુ ચુકવવા તેમજ ગાડીઓ પરત આપવા માટે કહેતા ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા હોય અને કહેલ કે, તમામ ગાડીઓ જામનગર વાળા બિલાલને ભાડે આપેલ છે, ત્યાંથી ભાડુ આવશે એટલે હું આપને ચુકવી આપીશ તેમ જણાવતા પરંતુ બંને શખ્સોએ તમામ ગાડીઓનુ ભાડુ ચુકવેલ ન હોય અને ગાડીઓ પણ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હતી.ઉપરાંત આરોપીઓએ વધું ગાડી ભાડે આપવાનું કહેતાં ફરિયાદીના મિત્ર વિપુલભાઇ કરશનભાઇ રાતડીયા (રહે.માનસરોવર સત્યમપાર્ક શેરી નં.3)એ ગ્રીનલેન્ડ ચોકડીએથી 12 મોંઘી ગાડીઓ આકાશ ઉર્ફે કાનજી ઉર્ફે અકી અને બિલાલને ભાડેથી આપેલ હોય અને તેઓને પણ ભાડુ ન ચૂકવી ગાડી પણ પરત આપેલ ન હોય અને તેઓની સાથે પણ વિશ્વાસઘાત છેંતરપિંડી કરેલ હોવાનુ જાણવા મળેલ હતું.
જેથી આરોપીઓ કાનજી ઉર્ફે આકાશ અને બિલાલ શાહમદારે તેઓનો સંપર્ક કરી ભાડે ગાડીઓ લઇ તેનુ ભાડુ સમયસર ચુકવી ગાડી પરત આપી વિશ્વાસ કેળવીને બાદમા તેઓની તેમજ ભાગીદારોની કુલ-14 ગાડીઓ તેમજ વિપુલભાઈ કરશનભાઈ રાતડીયાની કૂલ-12 ગાડીઓ મળી કુલ 26 ગાડીઓ કુલ અંદાજીત રૂ. 1,81,50,000 ની કાર પરત ન આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી મોરબીમાંથી બંને આરોપીઓને સકંજામાં લઇ મોંઘી મોટી કારોનો કાફલો પકડી પાડી આરોપીઓની વિશેષ તપાસ હાથ ધરી અલગ અલગ વિસ્તારમાંમાંથી છેતરપીંડીથી પડાવી છે તે અંગે પૂછતાછ હાથ ધરી હતી.
સ્કોર્પિયોની છેતરપિંડીની તપાસમાં ઝંપલાવતા મસમોટું રેકેટ છતું થયું
તાલુકા પોલીસ મથકમાં હાર્ડવેરના એક ધંધાર્થીએ પોતાની સ્કોર્પિયો કાર પિતરાઈ ભાઈ હસ્તક અકી પટેલને ભાડેથી આપ્યા બાદ અકી પટેલ કાર પરત ન આપતો હોય અને પોતે કાર પચાવી પાડવા માગતો હોય તે પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસમાં ઝુકાવતા મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં હાલ 80 કાર આ પ્રકારે ભાડેથી મેળવી છેતરપિંડી આચરી લીધાનું સામે આવ્યું છે. જો કે, કારની સંખ્યા વધવાના પણ એંધાણ છે.
આશરે 100 જેટલી કાર પચાવી પાડ્યાની આશંકા : 30 જેટલી કાર જપ્ત કરી લેવાઈ
ઠગ બેલડીએ હાલ સુધીમાં 80 જેટલી કાર ભાડે મેળવી છેતરપિંડી આચરી લીધાનું સામે આવ્યું છે. જે પૈકી આશરે 30 જેટલી કાર જપ્ત પણ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડી મારફત ઠગ બેલડીએ 100થી વધુ કાર પચાવી લીધાનું અનુમાન છે. પોલીસ હાલ તે દિશામાં બારીકાઈપૂર્વક તપાસ કરી રહી છે.