હાજરી પુરાવી સફાઈ કામદાર ઘર ભેગા થઈ જતા હોવાનો પર્દાફાશ

જામનગર તા. ૧૫: જામનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો હાજરી પૂરીને ઘેર જતા રહેતા હોવાની આધાર-પુરાવા સાથેની રજુઆત મ્યુનિ. કમિશ્નર સમક્ષ કરવામાં આવી છે. જામનગરના સામાજિક કાર્યકર સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષ ગુજરાતીએ આ રજુઆતમાં જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસથી નવાગામ (ઘેડ) વિસ્તારમાં સફાઈ કામગીરી થઈ નથી પરિણામે રોગચાળો ફેલાઈ રહ્યો છે.

તાજેતરમાં સુભાષ ગુજરાતીએ જેસાભાઈ આહિરએ સ્થળ તપાસ કરતા ૭ વાગ્યે ૫૦ કામદારોની હાજરી પૂરવામાં આવી હતી. જ્યારે પરત ૧૧ વાગ્યે સેનેટરી ઈન્સ્પેક્ટર મોદીભાઈને બોલાવી હાજરી પૂરવામાં આવતા માત્ર ૨૬ કામદારો હાજર હતાં. એટલે કે ૨૪ સફાઈ કામદારો હાજરી પૂરીને ઘેર ચાલ્યા ગયા હતાં. આ બાબતનું રોજકામ પણ કરવામાં આવ્યું હતું.

જાગૃત નાગરિક દ્વારા તપાસ કરતા આ માત્ર એક દિવસનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. હકીકતે દરરોજ આમ થાય છે. શહેરમાં સફાઈ થતી નથી જ્યારે પગાર લઈને કામદારો ઘરભેગા થઈ જાય છે. તેમાં મુકાદમ સહિતનાઓની પણ સંડોવણી હોય છે. આ પ્રશ્ને તપાસ કરાવવી જોઈએ અને એસઆઈ, મુકાદમ જે કોઈ જવાબદાર ઠરે તેની સામે આકરા પગલાં લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.