કેમિકલ વડે ભૂરી વરિયાળીને લીલી બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા!
મુખવાસ અને શરીરમાં ઠંડક માટે ઉપયોગમાં લેવાતી વરિયાળીને પણ ભેળસેળિયાઓએ ન છોડી ! મોરબી એલસીબીએ રૂ.1.12 કરોડનો માલ સીઝ કર્યો, એફએસએલ અને ફૂડ વિભાગ પણ તપાસમાં જોતરાયું
શરીરમાં ઠંડક માટે આયુર્વેદની દ્રષ્ટિએ દરેક ઘરમાં વરિયાળીનો અચૂક ઉપયોગ થઈ રહ્યો છે અને ફાઈવસ્ટાર હોટેલમાં જાવ કે દેશી ઢાબામાં જાવ તો મુખવાસ તરીકે જગતભરમાં ખવાતી વરિયાળીને પણ ભેળસેળીયા તત્વોએ સલામત નહી છોડી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે ત્યારે પોલીસે જપ્ત કરેલી આ કરોડો રૂપિયાની વરિયાળીને ભુરીમાથી લીલી બનાવવા છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી થઈ રહેલા આ ગોરખધંધામાં પોતાના ફાયદા માટે ભેજાબાજ શખ્સે ઉત્તરપ્રદેશ છોડી હળવદમાં ધામા નાખ્યાનું સામે આવ્યું છે.
સમગ્ર દેશમાં વરિયાળીના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાત નંબર વનના સ્થાન ઉપર છે ત્યારે હળવદના ખેડૂતો પણ છેલ્લા દાયકાથી વરિયાળીના વાવેતર તરફ વળ્યાં છે અને જોગાનુજોગ હળવદની જમીનને વરિયાળી માફક આવી રહી હોય દિવસે દિવસે વરિયાળીનું વાવેતર વધતા વરિયાળીમાં ભેળસેળ કરનાર ભેજાબાજ શખ્સે ઉત્તરપ્રદેશથી હળવદમાં ડેરાતંબુ નાખ્યા હોવાની ચોંકાવનારી હકીકત મોરબી ક્રાઇમબ્રાન્ચને મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને મોકાની તલાસ કરી ખરસમયે જ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં છાપો મારી મૂળ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના હીતેશભાઇ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલને રૂપિયા 1,12,82,150 કરોડના વરિયાળીના જંગી જથ્થા સાથે આબાદ દબોચી લેવામાં આવ્યો હતો.
આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતી વરિયાળીમાં શેની ભેળસેળ ? આ અંગે મોરબી અપડેટ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એન.એચ.ચુડાસમાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, નેચરલ વરિયાળીમાં ભેળસેળના આ કેસમાં પકડાયેલ શખ્સ વરિયાળીમાં ક્યાં પદાર્થની ભેળસેળ કરતો હતો તે અંગે સચ્ચાઈ સામે લાવવા ફૂડ એન્ડ ડ્રગ્સ મોરબી તેમજ એફએસએલ અધિકારીઓની મદદ લઈ આ વરિયાળીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં પૃથ્થકરણ બાદ જ સત્ય બહાર આવશે.
વધુમાં આ મામલે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના અધિકારી છત્રોલાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખેતરોમાં ઉગતી, પાકતી તમામ વરિયાળી ઉચ્ચતમ ક્વોલિટીની નથી હોતી જેથી વરિયાળીને નેચરલ લીલા કલરની બતાવવા માટે ભેળસેળીયા તત્વો ભૂરા રંગની દેખાતી વરિયાળીને લીલી આકર્ષક બનાવવા કલરનો ઉપયોગ કરતા હોય છે. આ કિસ્સામાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ કલરની ભેળસેળ જણાઈ રહી છે અને પોલીસ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલી વરિયાળીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, બજારમાં મળતી વરિયાળીમાં સામાન્ય ભૂરી કે ડલ દેખાતી વરિયાળી કરતા લીલીછમ વરિયાળી પ્રતિકિલો 20થી 25 રૂપિયા વધુ ભાવે વેચાતી હોય ઉત્તરપ્રદેશના આ ભેળસેળીયા વેપારી દ્વારા હળવદને વડું મથક બનાવી ભેળસેળનો આ ગોરખધંધો શરૂ કરી પોતાના ફાયદા માટે જન આરોગ્યને જોખમમાં મૂક્યું હોવાનું પોલીસ કાર્યવાહી પરથી ફલિત થઇ રહ્યું છે.