હિતેશ રાવલ, સાબરકાંઠા
એક તરફ કેન્દ્ર સરકાર ઓનલાઇન પેમેન્ટની વાતો કરે છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા ઓન લાઈન અપાયેલી ગ્રાન્ટ અટવાતા સ્થાનિક કક્ષાએ ભારે વિરોધાભાસ સર્જાયો છે જેમાં મોટાભાગની ગ્રામ પંચાયતો પાસે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની જાણકારીના અભાવ તેમજ ઇન્ટરનેટની ઉણપને પગલે મોટી સમસ્યા સર્જાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દસ હજારથી વધારે ગ્રામ પંચાયત માટે ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લાની ૮૦ ટકાથી વધારે ગ્રામપંચાયતોમાં છેલ્લા એક વર્ષથી વિકાસના વિવિધ કામો માટે આવેલી રકમ કામ વિના પડી રહી છે તેમજ પૈસા હોવા છતાં વિકાસના કામો થઇ શકતા નથી જેમાં રાજ્ય સરકાર દ્વારા તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચને ફાળવવામાં આવેલ ઓનલાઇન માસ્ટર-કી ની જાણકારીના અભાવે ગામડાઓનો વિકાસ રુંધાઈ રહ્યો છે. સ્થાનિક સરપંચોની જાણકારીનો અભાવ સહિત શિયાવાડાના વિસ્તારમાં ઇન્ટરનેટ કનેકટીવિટીની સમસ્યા પણ ઓનલાઇન પેમેન્ટ ના ચુકવણા માટે સમસ્યારૂપ બની રહી છે.
મોટાભાગ ની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવનારા સરપંચોને ઓનલાઈન ટ્રાન્ઝેકશન તેમજ માસ્ટર-કી નો ઉપયોગ ન આવડતા રાજ્ય સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે જોકે હાલના તબક્કે પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આવી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ ખૂબ મોટી સમસ્યા સર્જાય તેમ છે.
ચૂંટાયેલી પાંખ અંતર્ગત મોટાભાગના સરપંચો ઓનલાઈન પેમેન્ટની ચુકવણીથી દૂર રહે છે ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવનારા તલાટી કમ મંત્રીને પણ આ સિસ્ટમ થકી સમસ્યા સર્જાઈ છે મોટાભાગે ગામડાઓમાં તલાટી કમ મંત્રી સરકારી પ્રતિનિધિ હોવાની સાથોસાથ ગ્રામ વિકાસ સાથે જોડાયેલો રહેતો હોવાના પગલે કોન્ટ્રાક્ટરો સહિત વિકાસના કામો માટે આપવાનું થતું પેમેન્ટ ઓનલાઇન કરી દેવાતા હવે યોગ્ય કી નો ઉપયોગ ન થઇ શકતા કેટલાય કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટ અટવાઈ ચૂક્યું છે જોકે બીજી તરફ હજુ પણ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કામો અને લક્ષ્યાંકો અંતર્ગત ગ્રામ પંચાયતોમાં કામ ન થતું હોવાના પગલે online system થી દરેક વ્યક્તિને ઘર સુધી લાભ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મામલે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે જોકે હાલના તબક્કે રાજ્ય સરકાર દ્વારા જે કોઈ ગ્રામ પંચાયતોમાં પેમેન્ટની ફાળવણી ન થઈ હોય તેમ જ ઓનલાઇન પેમેન્ટને ચૂકવવાના બાકી હોય તેવા ગામડાઓ માટે ફુલ વિચારણા હાથ ધરવી જરૂરી છે જોકે આ મામલે આગામી સમયમાં ચોક્કસ નિર્ણય નહીં લેવાય તો સરપંચની આગામી બોડી પણ વિવાદાસ્પદ બની રહે તેમ છે.
એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ થકી છેવાડાના માનવી સુધી માહિતી પહોંચાડવાની સાથોસાથ ઇન્ટરનેટની સગવડ કરવામાં આવે તો ડિજિટલ યુગ તરફ કરાયેલું પ્રયાણ સફળ બની શકે તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા પગલાં લેવા લેવાય છે.